કેન્દ્ર સરકારના જીએસટી સ્લેબ ઘટાડવાના પ્રસ્તાવને ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (GoM)એ સ્વીકાર આપતા હવે આવનારા દિવસોમાં કરમાળખામાં મોટો ફેરફાર થવાની સંભાવના છે. હાલ 5%, 12%, 18% અને 28% એમ ચાર જીએસટી સ્લેબ અમલમાં છે, પરંતુ કેન્દ્ર સરકારે તેને સરળ બનાવી માત્ર બે સ્લેબ – 5% અને 18% રાખવાની દરખાસ્ત મૂકી હતી. આ દરખાસ્તને બિહારના ઉપ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળેલી GoMની બેઠકમાં મંજૂરી મળી છે. બેઠકમાં ઉત્તર પ્રદેશના નાણા મંત્રી સુરેશ કુમાર ખન્ના, રાજસ્થાનના આરોગ્ય મંત્રી ગજેન્દ્રસિંહ, પશ્ચિમ બંગાળની નાણા મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય, કર્ણાટકના રેવેન્યુ મંત્રી કૃષ્ણા ગોવડા અને કેરળના નાણા મંત્રી કે.એન. બાલાગોપાલ હાજર રહ્યા હતા.
આ બેઠકને સંબોધતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે જીએસટીના દરોમાં સુધારો સામાન્ય નાગરિક, ખેડૂતો, મધ્યમ વર્ગ અને નાના-મધ્યમ ઉદ્યોગો (MSMEs) માટે મોટી રાહતરૂપ થશે. તેમના મુજબ આ બદલાવ કરમાળખાને વધુ સરળ, પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવશે, તેમજ દેશના વિકાસને ગતિ આપશે.
જીએસટી સ્લેબમાં થયેલા આ ફેરફાર મુજબ હાલના 12% સ્લેબમાં આવતી 99% ચીજવસ્તુઓ અને સેવાઓને 5% સ્લેબમાં સામેલ કરવામાં આવશે. તે જ રીતે 28% સ્લેબમાં આવતી 90% ચીજવસ્તુઓ હવે 18% સ્લેબ હેઠળ આવશે. આથી માત્ર લક્ઝરી અને હાનિકારક પદાર્થો પર જ વધારે કર લાગશે, જેમાં GoMએ 40% જીએસટી લાગુ કરવાની ભલામણને પણ મંજૂરી આપી છે. એટલે કે કાર, તમાકુ ઉત્પાદનો અને અન્ય મોંઘી વસ્તુઓ પર કરનો બોજ વધશે, જ્યારે રોજિંદા વપરાશની વસ્તુઓ વધુ સસ્તી બનવાની શક્યતા છે.
આ ઉપરાંત GoMએ હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ પર જીએસટી ઘટાડવા અંગેની ભલામણ પર પણ ચર્ચા કરી. જો કે આ નિર્ણયથી વાર્ષિક રૂ. 9700 કરોડ જેટલું આવકનુ નુકસાન થવાની શક્યતા છે, છતાં મોટાભાગના રાજ્યોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે, જેથી સામાન્ય પોલિસીધારકોને સીધી રાહત મળી શકે. હવે આ મુદ્દે અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલ પોતાની આગામી બેઠકમાં કરશે.
આ સુધારાથી એક તરફ બજારમાં સરળતા આવશે, ચીજવસ્તુઓના ભાવ પર સીધી અસર પડશે, અને કર વસૂલીની પ્રક્રિયા પારદર્શક બનશે, તો બીજી તરફ કેન્દ્ર સરકારને રાજ્યો સાથે સંતુલન સાધીને આવકના નુકસાનની ભરપાઈ કરવાની વ્યૂહરચના તૈયાર કરવી પડશે. દિવાળીના તહેવારો પહેલાં જ આ સુધારો અમલમાં આવી શકે છે, જેનાથી ગ્રાહકોને સીધી રાહત મળે તેવી સંભાવના વધી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel