બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઐતિહાસિક મતદાન નોંધાયું છે. 6 નવેમ્બરનાં રોજ રાજ્યના 18 જિલ્લાઓની 121 બેઠકો પર મતદાન યોજાયું હતું, જેમાં મતદારોનો ઉત્સાહ અદભૂત જોવા મળ્યો. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, કુલ 64.66 ટકા મતદાન નોંધાયું છે, જે 1952 બાદનું સૌથી વધુ મતદાન ગણાય છે. આ વખતે 3.75 કરોડથી વધુ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, જે બિહારના ચૂંટણી ઇતિહાસમાં નવો રેકોર્ડ છે.
આ તબક્કામાં 45,341 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં 4 લાખથી વધુ પોલિંગ સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યા હતા. સાથે જ 1,314 ઉમેદવારો દ્વારા નિયુક્ત 67,902થી વધુ એજન્ટ્સ પણ પોતાના મતવિસ્તારમાં તહેનાત રહ્યા હતા. સાંજે 7 વાગ્યા સુધી શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું અને મોટાભાગના કેન્દ્રોએ ઉત્સાહભેર ભાગ લેતા લોકશાહીની ઉજવણી કરી.
ચૂંટણીની સુચોક દેખરેખ માટે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તથા ચૂંટણી કમિશનર્સ ડૉ. સુખબીર સિંઘ સંધુ અને ડૉ. વિવેક જોશીએ નિયંત્રણ કક્ષામાંથી લાઇવ વેબકાસ્ટિંગ દ્વારા સમગ્ર મતદાન પ્રક્રિયા પર નજર રાખી. બિહારમાં આ પ્રથમવાર બન્યું કે 100% પોલિંગ સ્ટેશનો લાઇવ વેબકાસ્ટિંગ સાથે જોડાયા હતા, જે ચૂંટણી વ્યવસ્થાની પારદર્શિતા અને વિશ્વસનીયતાને વધુ મજબૂત બનાવે છે.
વિશેષ વાત એ રહી કે આ ચૂંટણીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રસ જોવા મળ્યો. આંતરરાષ્ટ્રીય ચૂંટણી મુલાકાતી કાર્યક્રમ (IEVP) હેઠળ છ દેશોના 16 વિદેશી પ્રતિનિધિઓ બિહારની મુલાકાતે આવ્યા હતા, જેમણે વિવિધ જિલ્લાઓમાં જઈને મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું. ચૂંટણી પંચે જણાવ્યું કે આ પ્રતિનિધિઓએ બિહારની ચૂંટણી પ્રક્રિયાની પ્રશંસા કરી, ખાસ કરીને ટેક્નોલોજીના ઉપયોગ અને સુરક્ષિત માહોલની વ્યવસ્થાને વખાણી.
આ રીતે, બિહાર વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો માત્ર મતદાનની દૃષ્ટિએ નહીં, પરંતુ સુવ્યવસ્થિત આયોજન, ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ અને આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિની દૃષ્ટિએ પણ ઇતિહાસ રચી ગયો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel