ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે પશુપાલન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં ‘ખરવા-મોવાસા’ (Foot and Mouth Disease) જેવા જીવલેણ વાયરસ સામે વ્યાપક રસીકરણ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. વર્ષ 2025-26 દરમિયાન રાજ્યના 3 કરોડથી વધુ પશુઓને આ રોગ સામે સુરક્ષિત કરવામાં આવ્યા છે, જે પશુપાલકોની આર્થિક સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
રાજ્ય સરકારના સઘન પ્રયાસોના પરિણામે ગુજરાતમાં પશુઓમાં ‘હર્ડ ઇમ્યુનિટી’માં નોંધપાત્ર વધારો થયો છે. હાલ આ દર 80% સુધી પહોંચી ગયો છે, જેના કારણે વાયરસનો પ્રસાર માત્ર 3% સુધી સીમિત રહ્યો છે. પશુપાલન વિભાગ માટે આ એક મોટી સફળતા છે, કારણ કે આટલી ઊંચી રોગપ્રતિકારક ક્ષમતા રાજ્યમાં રોગના નિયંત્રણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
આ સમગ્ર અભિયાન Livestock Health and Disease Control Programme હેઠળ ચલાવવામાં આવ્યું છે, જે રાજ્યભરના લાખો પશુપાલકો માટે આશીર્વાદરૂપ બન્યું છે. પશુપાલન વિભાગની ટીમો દર છ મહિને પશુપાલકોના ઘરે જઈને પશુઓને નિઃશુલ્ક રસી આપે છે, જેના કારણે ખેડૂતોને સમય અને ખર્ચ બંનેમાં રાહત મળે છે. પશુઓ સ્વસ્થ રહેતા દૂધ ઉત્પાદનમાં ઘટાડો થતો નથી, જેનાથી પશુપાલકોની આવક જાળવવામાં મદદ મળે છે.
આ અભિયાનમાં ટેકનોલોજીનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. National Digital Livestock Mission અંતર્ગત ‘ભારત પશુધન પોર્ટલ’ પર તમામ માહિતી ઓનલાઈન નોંધવામાં આવે છે. દરેક પશુને 12 આંકડાનો બારકોડેડ ઇયર-ટેગ લગાવવામાં આવે છે, જેના દ્વારા તેની ઓળખ, રસીકરણ અને આરોગ્ય સંબંધિત તમામ માહિતી રીઅલ-ટાઇમમાં ટ્રેક કરી શકાય છે. આ ડિજિટલ વ્યવસ્થાના કારણે એક પણ પશુ રસીકરણથી વંચિત ન રહે તેની ખાતરી થાય છે.
ખરવા-મોવાસા જેવા રોગોને કારણે દેશને દર વર્ષે આશરે ₹24,000 કરોડનું આર્થિક નુકસાન થતું હોય છે. ગુજરાત સરકારે આ નુકસાન ઘટાડવા માટે વિશેષ આયોજન હાથ ધર્યું છે. વર્ષ 2024-25 દરમિયાન 2.93 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2025-26માં આ આંકડો વધીને 3.04 કરોડને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં દર વર્ષે 1.71 કરોડ પશુઓને બે વખત રસી આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
આ રીતે ગુજરાત સરકારે પશુપાલન ક્ષેત્રે આરોગ્ય સુરક્ષા અને આર્થિક મજબૂતી બંનેને પ્રાથમિકતા આપીને એક મજબૂત અને ટકાઉ મોડેલ ઉભું કર્યું છે, જે દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel