ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ અમદાવાદ ખાતે મંગળવારે સાંજે ‘ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ ઓફ વિઝનરી ડેવલપર્સ’ કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે મેયર પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ સહિત રાજ્યના જાણીતા બિલ્ડર્સ અને ડેવલપર્સની સાફલ્યગાથા અને તેમના પ્રોજેક્ટ્સ દર્શાવતી કોફી ટેબલ બુકનું પ્રકાશન ‘અમદાવાદ મિરર’ દ્વારા કરવામાં આવ્યું છે. કોફી ટેબલ બુકના વિમોચન પ્રસંગે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં આજે દેશ દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ સાધી રહ્યો છે. આગામી પાંચ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે “ 22 લાખ કરોડનું રોકાણ આવવાનું છે. આઝાદીના 75 વર્ષ પછી વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રે સૌથી વધુ રોકાણ થયું છે. જેના પરિણામે અમદાવાદમાં બુલેટ ટ્રેન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સાબરમતી રિવરફ્રન્ટ સહિતના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ જોઇ રહ્યા છીએ.
તેમણે ઉમેર્યું હતું કે, આવનારા વર્ષોમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને સસ્ટનેબલ ડેવલપમેન્ટ ક્ષેત્ર મહત્ત્વનું સાબિત થવાનું છે. આજે દેશમાં કાશી વિશ્વનાથ કોરિડોર, ઉજ્જૈન કોરિડોર, રામમંદિરના વિકાસ સાથે રિલિજિયસ ડેવલપમેન્ટ વિકસ્યું છે. સાથે જ, મેડિકલ ટૂરિઝમ અને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર પણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ ગિફ્ટ સિટી, ધોલેરામાં સેમિ કન્ડકટર ઇન્ડસ્ટ્રી વિકાસ પામી રહ્યા છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ક્ષેત્ર આજે ‘લોકલથી વોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્ન સાકાર કરવાની દિશામાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું. સાથે જ, તેમણે ઉપસ્થિત બિલ્ડર્સ અને ડેવલોપર્સને આવનારા સમયની જરૂરિયાત સમજીને આવનારા પડકારો માટે અત્યારથી તૈયાર રહેવા માટે પણ સૂચવ્યું હતું.
મેયર પ્રતિભા જૈને આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના કુશળ નેતૃત્ત્વ અને માર્ગદર્શનમાં આજે ભારત દેશ વિકાસની અવિરત યાત્રા પર મજબૂત રીતે આગળ વધી રહ્યો છે. એ જ રીતે, ગુજરાત અને અમદાવાદના વિકાસમાં અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં શહેર અને રાજ્યના બિલ્ડર્સ અને ડેવલપર્સનો સિંહફાળો રહ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે , વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ‘નવગુજરાત સમય’, ‘અમદાવાદ મિરર’ અને શાયોના ગ્રૂપ હંમેશા એક યા બીજી રીતે પોતાનો સહયોગ આપતું રહ્યું છે. અમારી સંસ્થા દર વર્ષે કોફી ટેબલ બુક, એજ્યુકેશન ફેર, પ્રોપર્ટી શો, કાઉન્સેલિંગ પ્રોગ્રામ, વિમેન એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ સહિતના કાર્યક્રમો યોજે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખૂબ જ ઝડપથી વિકાસ સાધી રહ્યું છે. ગિફ્ટ સિટી, બુલેટ ટ્રેન, સ્ટેચ્યૂ ઑફ યુનિટી સહિતના ઉપક્રમો ગુજરાતની નવી ઓળખ બની રહ્યા છે. આવનારા સમયમાં ગુજરાત સહિત દેશભરમાં ટાઉન પ્લાનિંગ, સેમિ કંડક્ટર, ટૂરિઝમ, સ્ટાર્ટઅપ, અર્બન ડેવલપમેન્ટ, પરિવહન સહિત અનેકવિધ ક્ષેત્રોમાં રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો રોલ મહત્ત્વનો બનવાનો છે. અમદાવાદ અને ગુજરાતના જાણીતા બિલ્ડર્સ, ડેવલપર્સ અને આ ક્ષેત્રે સંકળાયેલી સંસ્થાઓ ચોક્કસપણે આ વિકાસયાત્રાનો મહત્ત્વનો ભાગ બનવાના છે એમ તેમણે ઉમેર્યું હતું. આ કૉફી ટેબલ બુકના લોન્ચિંગ પ્રસંગે જાણીતા બિલ્ડર્સ, ડેવલપર્સ અને આ ક્ષેત્રે સંકળાયેલી સંસ્થાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, જાણીતા બિલ્ડર જક્ષય શાહ સહિત અનેક બિલ્ડર્સ અને ડેવલપર્સે અમદાવાદના વિકાસ અને અમદાવાદમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા તેમના અનુભવો, સફર અને વાતોને વાગોળી હતી. કૉફી ટેબલ બુકના વિમોચન પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, શાયોના ગ્રૂપના ચેરમેન સુરેશભાઈ પટેલ, એમ.ડી. વસંતભાઈ પટેલ, નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના કર્મચારીઓ સહિત શહેરના જાણીતા બિલ્ડર્સ, ડેવલપર્સ અને સંસ્થાઓ ઉપસ્થિત રહ્યા હતા.
હર્ષ સંઘવી, ગૃહ રાજ્ય મંત્રી, ગુજરાત સરકાર
જ્યાં અમદાવાદના રિયલ એસ્ટેટ સેક્ટરની ભવ્ય ઉજવણી થઇ રહી છે તે પ્રેરણાદાયક પ્રસંગમાં અમદાવાદ મિરર દ્વારા મને આમંત્રણ આપવામાં આવ્યું તે બદલ હું ખૂબ ખુશી અને આનંદની લાગણી અનુભવી રહ્યો છું. આ પ્રકારના પ્રસંગો અને કાર્યક્રમો સમાજ માટે વધુ સારું કામ ચાલુ રાખવા અન્ય રિયલ્ટર અને ડેવલપર્સને પણ પ્રોત્સાહન પૂરું પાડશે.
જક્ષય શાહ, એમ.ડી. સાવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ.
અમદાવાદ ખુબ બહાદૂર અને શૌર્યવાન શહેર છે જેણે ભૂકંપથી લઇને કોવિડની મહામારી અને અન્ય રોગચાળા જેવી અનેક ચડતી-પડતી જોઇ છે, અને તેમ છતાં તેણે કૂદકે ને ભુસકે પ્રગતિ કરી છે
શેખર પટેલ, પ્રમુખ, ક્રેડાઇ, નેશનલ
જો ભારત વાર્ષિક 8 ટકાના દરે વૃદ્ધિ પામશે તો ગુજરાતનું અર્થતંત્ર 15 ટકાના દરે વિકાસ પામશે, એવો અમારો દૃઢ વિશ્વાસ છે. વિકાસની આ ગાથામાં રિયલ એસ્ટેટ ઉદ્યોગ પણ અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે.
એન.કે. પટેલ, ચેરમેન, સન બિલ્ડર્સ
જ્યાં અમદાવાદના દીર્ઘદૃષ્ટા ડેવલપર્સ પ્રેરણાદાયક ગાથાઓની ચર્ચા થઇ રહી છે તે કોફી ટેબલ બુકમાં મારી અને મારા પુત્ર દીપ પટેલની પ્રશસ્તિ કરવા બદલ હું અનહદ ખુશી અને આનંદની લાગણી અનુભવી રહ્યો છું.
તેજશ જોશી, વાઇસ પ્રેસિડેન્ટ, ક્રેડાઇ, ગુજરાત
જે રિયલ એસ્ટેટ સેક્ટર અને ડેવલપર્સની ઉજવણી કરી રહ્યું છે તે ભવ્ય પ્રસંગમાં મને આમંત્રણ આપવામાં આવ્યું તે બદલ હું અમદાવાદ મિરરનો ખૂબ ખૂબ આભાર માનું છું. દીર્ઘદૃષ્ટા ડેવલપર્સની ગાથાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે તે ખૂબ પ્રશંસનીય છે.
ધ્રુવ પટેલ, ક્રેડાઇ, અમદાવાદના પ્રમુખ
અમદાવાદનું રિયલ એસ્ટેટ સેક્ટર ખૂબ ટકાઉ પદ્ધતિએ વિકાસ પામી રહ્યું છે જેમાં ડેવલપર્સ ખુદ પર્યાવરણની જાળવણી ઉપર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. રિયલ એસ્ટેટ સેક્ટરના આ પ્રસંગનું આયોજન કરવા બદલ, તેને પ્રોત્સાહન આપવા બદલ અને તેની ભવ્ય ઉજવણી કરવા બદલ હું અમદાવાદ મિરરને અભિનંદન આપું છું
હિતા એનજી પટેલ, ડાયરેક્ટર, એન.જી. ગ્રૂપ
અમદાવાદ મિરર દ્વારા આ સરસ પ્રસંગનું આયોજન કરાયું છે અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં મહિલાઓની ભૂમિકા ઉપર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તે જાણીને ખૂબ આનંદ થાય છે. આ સમાવેશી કાર્યક્રમનો એક હિસ્સો બનવા બદલ ખૂબ ખુશી અને આનંદ અનુભવું છું