અમદાવાદ શહેરના ઇતિહાસનો સૌથી ભયાનક અકસ્માત ગયા બુધવારની મોડી રાતે એસજી હાઈવે પરના ઇસ્કોનબ્રિજ પર સર્જાયો હતો. લોકો ગાઢ નિદ્રા માણી રહ્યા હતા ત્યારે ઇસ્કોનબ્રિજ પર મોતનું તાંડવ ખેલાઈને નવ લોકો ભરખાઈ ગયા હતા. તથ્ય પટેલની બેદરકારીથી સર્જાયેલા આ ભયંકર અકસ્માતને પગલે શહેરના બ્રિજ પર CCTV લગાવવાની લોકમાગણી ઊઠી હતી. પરિણામે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલી વખત ફક્ત અઠવાડિયાના ટૂંકા ગાળામાં ઇસ્કોનબ્રિજ સહિતના બ્રિજને આવરી લેતી રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ તૈયાર કરાઈ હોઈ જે હેઠળ CCTV કેમેરા લગાવાશે.
રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ પ્રસિદ્ધ કરાઈ
મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલોપમેન્ટ લિમિટેડ (SCADL) દ્વારા CCTVના સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ, કમિશનિંગ અને ઓપરેશન તેમજ મેન્ટેનન્સ માટેની રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ પ્રસિદ્ધ કરાઈ હોઈ તે હેઠળ આગામી તા.3 ઓગસ્ટ સુધી ઓનલાઇન પ્રાઇઝ બિડ અને તા.4 ઓગસ્ટ સુધીમાં ફિઝિકલ બિડ મોકલવાની રહેશે. તા.4 ઓગસ્ટની સાંજે 5.30 વાગ્યે ફિઝિકલ બિડ ખોલાશે. આ માટે રૂ. 18000 બિડ પ્રોસેસિંગ ફી અને રૂ.20 લાખની બિડ સિક્યોરિટી ઈએમડી નક્કી કરાઈ છે.
તમામ બ્રિજ પર મુકાશે CCTV કેમેરા
એસજી હાઈવેના ઇસ્કોનબ્રિજ ઉપરાંત તમામ બ્રિજ પર CCTV કેમેરા મુકાશે. અત્યારે એસજી હાઈવેના બ્રિજ માટે તંત્ર દ્વારા અંદાજે 14 લોકેશન નક્કી કરાયાં હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ જણાવે છે. તેઓ વધુમાં કહે છે કે ઇસ્કોનબ્રિજના મહાભયંકર અકસ્માત બાદ લોકલાગણીના પગલે તંત્રએ ઇતિહાસમાં પહેલી વખત ફાસ્ટ ટ્રેકમાં આવીને આ પ્રકારે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે અને એક અઠવાડિયામાં નિર્ણય લેવાશે.
કુલ 84 બ્રિજની યાદી તૈયાર કરાઈઃ હિતેશ બારોટ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ વધુમાં કહે છે, તંત્ર દ્વારા શહેરના તમામ રિવરબ્રિજ, ફ્લાય ઓવરબ્રિજ, રેલવે ઓવરબ્રિજ, અંડરપાસ મળીને કુલ 84 બ્રિજની યાદી તૈયાર કરાઈ છે, જે પૈકી કેટલાક રિવરબ્રિજ પર CCTV મુકાઈ ગયા છે અને અંડરપાસને પણ તંત્રની ચોમાસાની કામગીરી હેઠળ CCTVથી આવરી લેવાયા છે, એટલે આ 84 બ્રિજ પૈકી જે બ્રિજમાં CCTV નહીં મુકાયા હોય તેવા તમામ બ્રિજમાં CCTV મૂકીને ભારે ઝડપથી હંકારાતાં વાહનો પર ઝીણવટભરી નજર રાખી શકાશે તેમજ કમનસીબે જો કોઈ જીવલેણ અકસ્માત થાય તે વખતે આ CCTV કેમેરા તંત્રને વિગતોની માહિતી માટે મદદરૂપ બનશે.
કયા કયા બ્રિજ પર લગાવાશે કમેરા?
તંત્રની યાદી પર એક નજર નાખતાં તેમાં છેક 1875માં બનાવાયેલો કાલુપુર રેલવે ઓવરબ્રિજ, 1940માં નિર્માણ પામેલો સારંગપુર રેલવે ઓવરબ્રિજ અને અસારવા રેલવે ઓવરબ્રિજ, 1950માં બનાવાયેલો શાહીબાગ રેલવે અંડરબ્રિજ, 1690નો ખોખરા રેલવે ઓવરબ્રિજ, 1985નો બાબુ જગજીવનરામ રેલવે ઓવરબ્રિજ, 1990નો ચામુંડા રેલવે ઓવરબ્રિજ, 1994નો ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ, 1996નો કેડિલા રેલવે ઓવરબ્રિજ, 1998નો નાથાલાલ ઝઘડા રેલવે ઓવરબ્રિજ, વર્ષ 2000નો ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ, 2001નો પ્રબોધ રાવલ બ્રિજ, 2006નો શ્રેયસ ઓવરબ્રિજ, 2008નો ચાણક્યપુરી રેલવે ઓવરબ્રિજ, 2008નો શ્યામાપ્રસાદ મુખરજી રેલવે ઓવરબ્રિજ, 2008નો શિવરંજની ફ્લાય ઓવરબ્રિજ, 2009નો હેલ્મેટ સર્કલ ફ્લાય ઓવરબ્રિજ સહિતના બ્રિજનો સમાવેશ થાય છે.
તંત્ર દ્વારા વધુ 318 CCTV કેમેરા લગાવાશેઃ રમ્ય ભટ્ટ
સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલોપમેન્ટ લિ.ના ઉચ્ચ અધિકારી રમ્ય ભટ્ટ કહે છે, શહેરના તમામ બ્રિજને CCTVથી આવરી લેનારા આ પ્રોજેક્ટ હેઠળ વધુ 318 CCTV કેમેરા લગાવાશે, આ માટે 16 અઠવાડિયાનો સમય તંત્ર દ્વારા અપાશે. પ્રત્યેક કેમેરામાં 30 દિવસનું સ્ટોરેજ રહેશે.
આશરે સાડા છ કરોડ રૂપિયા પ્રોજેક્ટ પાછળ ખર્ચાશે
ઇસ્કોનબ્રિજમાં થયેલી ભયાનક દુર્ઘટનાને ફરી બનતી ટાળવા તંત્રના આ CCTV કેમેરા પ્રોજેક્ટ પાછળ આશરે સાડા છ કરોડ રૂપિયા ખર્ચાશે અને ત્રણ વર્ષનો ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પણ CCTV કેમેરા લગાવનારી કંપનીને અપાશે તેમ રમ્ય ભટ્ટ વધુમાં જણાવે છે.