ચોખાના ભાવમાં હાલના દિવસોમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. ચોખાની કિંમત લગભગ 12 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. મળેલા અહેવાલ અનુસાર સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO)એ કહ્યું- ‘FAOના કુલ ચોખાના ભાવ સૂચકાંકમાં જુલાઈના એક મહિનાની સરખામણીમાં 2.8 ટકાનો વધારો થયો છે અને સરેરાશ 129.7 પોઇન્ટ થઇ ગયું છે. આ ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં લગભગ 20 ટકા વધુ છે અને સપ્ટેમ્બર 2011 પછી ચોખાનું ઉચ્ચતમ સ્તર છે.
ચોખાના ભાવ વધારાના કારણો
ચોખાના ભાવ વધવાના ઘણા કારણો છે. આમાંથી એક ચોખાની વધી રહેલી માંગ છે. આ સિવાય ભારતે તાજેતરમાં નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. તેના કારણે પણ ભાવમાં વધારો થયો છે. ભારતની નિકાસ પર પ્રતિબંધના કારણે વૈશ્વિક બજારમાં ચોખાનો પુરવઠો ઓછો થયો છે. આ સાથે એક મુખ્ય કારણ કેટલાક ચોખા ઉત્પાદક દેશોમાં અનિયમિત હવામાન પરિસ્થિતિઓને કારણે ઓછી ઉપજ છે. જેના કારણે પુરવઠામાં વધુ ઘટાડો થયો છે.
ભારતે લગાવ્યો પ્રતિબંધ
વૈશ્વિક ચોખાની નિકાસમાં ભારતનો 40 ટકા હિસ્સો છે. ભારતે ગયા મહિને સ્થાનિક ભાવને નિયંત્રિત કરવા માટે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. તાજેતરના અઠવાડિયામાં ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ભારતની ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકવાથી વૈશ્વિક બજારમાં ખાદ્યપદાર્થોના ભાવમાં અસ્થિરતા વધવાની સંભાવના છે.
ચોખાની ઉંચી કિંમત ખાદ્ય સુરક્ષા પર અસર કરી શકે
ચોખાના વધતા ભાવ ઘણા દેશોમાં ખાદ્ય સુરક્ષા પર અસર કરી શકે છે. વિશ્વભરના લાખો લોકો માટે ચોખા એ મુખ્ય ખોરાક છે અને ઊંચા ભાવ લોકોને આ આવશ્યક ખોરાક પરવડે તે વધુ મુશ્કેલ બનાવી શકે છે. અહેવાલો અનુસાર ભારત, થાઈલેન્ડ, વિયેતનામ, કંબોડિયા અને પાકિસ્તાન ચોખાના મોટા નિકાસકારોમાં સામેલ છે. જ્યારે ચીન, ફિલિપાઈન્સ, બેનિન, સેનેગલ, નાઈજીરિયા અને મલેશિયા મુખ્ય આયાતકારો છે.
ચોખાના નિકાસમાં 35 ટકાનો વધારો
વર્ષ 2022-23માં ભારતમાંથી બિન-બાસમતી સફેદ ચોખાની કુલ નિકાસ 4.2 મિલિયન ડોલર હોવાનો અંદાજ હતો. જ્યારે અગાઉના વર્ષમાં તે 2.62 મિલિયન ડોલર હતું. ભારત થાઇલેન્ડ, ઇટાલી, સ્પેન, શ્રીલંકા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી વધુ બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ કરે છે. દેશમાંથી નિકાસ થતા કુલ ચોખામાં નોન-બાસમતી સફેદ ચોખાનો હિસ્સો લગભગ 25 ટકા છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લગભગ 15.54 લાખ ટન સફેદ ચોખાની નિકાસ કરવામાં આવી છે, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં માત્ર 11.55 લાખ ટન હતી, એટલે કે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નિકાસમાં 35 ટકાનો વધારો થયો છે.