ભારતીય મૂળના ઋષિ સુનકે બ્રિટનના વડાપ્રધાન તરીકે તેમના કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. ગયા વર્ષે 25 ઓક્ટોબરે સુનકે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને મોટા પડકારો વચ્ચે કાર્યભાર સંભાળ્યો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કરતા સુનકે કહ્યું કે હું PM બન્યો ત્યારથી અમે ઘણું હાંસલ કર્યું છે, પરંતુ એમાં કોઈ શંકા નથી કે હજી ઘણું હાંસલ કરવાનું બાકી છે. સુનકે વધુમાં કહ્યું કે હું એ જાણું છું કે આ વર્ષ મુશ્કેલ હતું, ત્યારે હવે સખત મહેનત કરતા પરિવારોને મદદ કરવા માટે પગલાં લેવાની જરૂર છે અને લીધેલા પગલાં પર મને ગર્વ છે.
બીજી તરફ સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના અધ્યક્ષ ગ્રેગ હેન્ડ્સે પાર્ટીના નેતા અને પીએમ ઋષિ સુનકની તેમની એક વર્ષની સિદ્ધિ પર પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે એક વર્ષ પહેલા જ્યારે ઋષિ સુનક પીએમ બન્યા હતા, ત્યારે તેમણે લોકોને તેમના વીજળીના બિલ અડધા કરીને મદદ કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે અમે મોંઘવારી અડધી કરવાની, અર્થવ્યવસ્થાને આગળ વધારવા, દેવું ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત ઘણી દિશામાં સારું કામ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન ઋષિ સુનક સામે હજુ પણ અનેક પડકારો છે. ઇઝરાયલ-હમાસ અને રશિયા-યુક્રેન સંઘર્ષોથી બાહ્ય પડકારો ઊભા થયા છે. વધુમાં સુનકને ફુગાવા અને જીવનનિર્વાહના ખર્ચના કારણે ભારે દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. આવતા વર્ષે બ્રિટનમાં સામાન્ય ચૂંટણી પણ યોજાવાની છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વડાપ્રધાન પદ માટે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા સુનક લિઝ ટ્રુસ સામે હારી ગયા હતા. લિઝ ટ્રુસે કૌભાંડમાં ઘેરાયેલા બોરિસ જોન્સનનું સ્થાન લીધું હતું. વડાપ્રધાન બન્યા બાદ ટ્રુસે મિની બજેટની જાહેરાત કરી હતી. મિની બજેટમાં જાહેરાત બાદ ટ્રુસને પદ છોડવું પડ્યું હતું. તેમના સ્થાને ઋષિ સુનકને દિવાળીના દિવસે વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.