દેશભરમાં બિલ્ડરો પ્રોપર્ટી ખરીદનારાઓને એક યા બીજી રીતે છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યાં છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે બિલ્ડરો અને પ્રોપર્ટી ખરીદનારાઓ વચ્ચેના સોદા અંગે દેશભરમાં સમાન નિયમો હોવા જોઈએ. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે ‘બિલ્ડરો ખરીદદારો પર કઈ બાબતો થોપી શકે છે? આ અંગે દેશવ્યાપી નિયમ હોવો જોઈએ. નહિંતર, બિલ્ડરો દેશભરમાં ખરીદદારોને છેતરવાનું ચાલુ રાખશે. એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા 2020માં દાખલ કરાયેલી પીઆઈએલની સુનાવણી દરમિયાન બેન્ચે આ વાત કહી હતી. બેન્ચમાં ચીફ જસ્ટિસ ઉપરાંત જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ હતા.
આ કેસની સુનાવણી દરમિયાન વકીલ દેવાશિષ ભારુકાએ જણાવ્યું હતું કે આ કેસમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ સિવાય બિલ્ડર અને ખરીદદારો વચ્ચેના કરારની ડ્રાફ્ટ કોપી પણ આપવામાં આવી છે. રાજ્ય સરકારો તરફથી મળેલા સૂચનોને પણ આમાં સામેલ કરવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું હતું કે આ મામલે CREDAI એટલે કે કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલા વાંધાઓ પર પણ વિચાર કરવો જોઈએ. કોર્ટે અગાઉ જાન્યુઆરી 2022માં કહ્યું હતું કે એક ‘નેશનલ મોડલ બિલ્ડર-બાયર એગ્રીમેન્ટ’ હોવો જોઈએ. તેનાથી ઘર ખરીદનારાઓએ હેરાન થવું પડશે નહીં. ક્યારેક રિયલ એસ્ટેટ ડેવલપર્સ બિનજરૂરી શરતો પણ લાદી દેતાં હોય છે. કોર્ટે કહ્યું કે મધ્યમ વર્ગના ઘર ખરીદનારાઓને આના કારણે અપાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બેન્ચે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે એક સ્ટાન્ડર્ડ ફોર્મ તૈયાર હોવ જોઈએ, જે હાઉસિંગ એગ્રીમેન્ટ દરમિયાન ભરવાનું રહે. એમાં એવી શરતો હોવી જોઈએ કે જેથી ગ્રાહકોના હિતોનું રક્ષણ થઈ શકે. ઉપરાંત, તેમાં દર્શાવેલી શરતોમાં ફેરફાર કરવું આસાન ન હોય.