રશિયા અને યુક્રેન યુધ્ધની વચ્ચે રશિયાના પ્રમુખ પુતિન સામે બળવાખોરીનુ રણશીંગુ ફૂંકનારા અને રશિયાની પ્રાઈવેટ આર્મી વેગનર ગ્રુપના ચીફ યેવેગેની પ્રિગોજીને હવે રશિયામાં સૈન્ય શાસનને ઉથલાવવાના સોગંદ લીધા છે.
આ સત્તા પલટો નથી પણ ન્યાય માટેની માર્ચ
પ્રિગોજીને કહ્યુ હતુ કે, મારા સૈનિકો રસ્તામાં આવતી દરેક વસ્તુને તહસ નહસ કરી નાંખશે.રશિયાના નાગરિકો તેમનો વિરોધના કરે,બલ્કે તેમની સાથે જોડાઈ જાય. આ સત્તા પલટો નથી પણ ન્યાય માટેની માર્ચ છે.
પુતિને વેગનર ગ્રુપના વિદ્રોહને કચડી નાંખવાનુ એલાન કર્યું
પુતિને વેગનર ગ્રુપના વિદ્રોહને કચડી નાંખવાનુ એલાન કર્યા બાદ પ્રિગોજીને આ નિવેદન આપીને કહ્યુ હતુ કે, રાષ્ટ્રપતિએ બહુ ખોટા વિકલ્પની પસંદગી કરી છે.રશિયાને બહુ જલ્દી નવા રાષ્ટ્રપતિ મળશે.પુતિને બહુ ખોટો રસ્તો પસંદ કર્યો છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલેય પ્રિગોજિનના દાવાને ફગાવી દીધો
એક સમયે પુતિનના ખાસ મિત્ર તેમજ શેફ પણ રહી ચુકેલા પ્રિગોજીને કહ્યુ હતુ કે, રશિયાના સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગૂએ યુક્રેન સ્થિત અમારા બેઝ કેમ્પ પર રોકેટ હુમલો કરવાનો આદેશ આપ્યો હતો.અમારા સૈનિકો તો રશિયા માટે લડી રહ્યા હતા પણ આ આદેશ બાદ હવે મારી આર્મી શોઈગુને પાઠ શીખવાડશે અને રશિયન સેનાને મારી અપીલ છે કે, અમાર કાર્યવાહી દરમિયાન દરમિયાનગીરી ના કરે.જોકે રશિયાના સંરક્ષણ મંત્રાલેય પ્રિગોજિનના દાવાને ફગાવી દીધો છે.
રશિયા પોતાના ભવિષ્ય માટેની સૌથી અઘરી જંગ લડી રહ્યુ છે
પ્રિગોજીનના વિદ્રોહને પુતિને દેશદ્રોહ ગણાવ્યો છે અને કહ્યુ છે કે, રશિયા પોતાના ભવિષ્ય માટેની સૌથી અઘરી જંગ લડી રહ્યુ છે. વેગનર આર્મીનો વિદ્રોહ દેશ માટે બહુ મોટો ખતરો છે અને તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.બળવાખોરી કરનારા તમામે સજા ભોગવવી પડશે. વેગનર ગ્રુપના વિદ્રોહ બાદ તેના ચીફ પ્રિગોજીન સામે રશિયાની નેશનલ એન્ટી ટેરરિઝમ કમિટિને તપાસ સોંપવામાં આવી છે.પ્રિગોજીન સામે દેશમાં સત્તા પલટો કરવા માટેના કાવતરાનો આરોપ મુકવામાં આવ્યો છે.