ઉનાળો હોઈ બજારમાં લોકોની અવર-જવર હતી. અમે લોકો બરફના ગોળા પાસે ઊભા રહ્યા એ સમયે પાછળથી એક મુસ્લિમ છોકરો સાઈકલ લઈને આવ્યો હતો અને હું કંઈ સમજું વિચારૂં તે પહેલાં જ તેણે મારો હાથ ખેંચી તેની નજીક ખેંચવા પ્રયાસ કર્યો હતો. અચાનક અજાણ્યા છોકરાના વર્તનથી હું ગભરાઈ ગઈ હતી.
તેણે હાથ ખેંચતા જ હું રોડ પર પડી ગઈ હતી. ભરબજારમાં એ છોકરાના વર્તનથી મને શું કરવું, શું ન કરવું સમજણ જ નહોતી પડતી. એ પછી તે તેની સાઈકલ લઈને આગળ ગયો હતો અને હું જે રીતે પડી હતી તેની તેણે પણ રોડ પર પડીને એક્ટીંગ કરી હતી. હું અને મારી બહેનપણી તુરંત જ મારા ઘરે ગયા હતા અને સમગ્ર બાબત મારા માતા-પિતાને કહી હતી. જાહેરમાં મારી સાથે છેડછાડ થઈ હોય અમે લોકો ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા.
પોલીસે અમારૂં નામ, નંબર, શું ઘટના બની તે જાણ્યું હતું. પરંતુ અમારી કોઈ ફરિયાદ લીધી નહોતી. બીજા દિવસે ફરી અમે ગયા ત્યારે તમે ફરિયાદ નોંધાવવા ક્યાં આવ્યા છો તેમ કહ્યું હતું. આમ, જાહેરમાં છેડતી કર્યા પછી પણ પોલીસ આરોપીઓને છાવરતી હોય એમ લાગી રહ્યું છે. (છેડતીનો ભોગ બનનાર 15 વર્ષીય કિશોરી સાથે થયેલી વાતચીત અનુસાર)
ઓડ બજારમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ, મારક હથિયાર સાથેના ફૂટેજ વાઈરલ થયા. ઓળખ ન થાય તે માટે લાઈટ બંધ કરાયાની શંકા.
ઉમરેઠ ઓડ બજાર વિસ્તારમાં ગત શનિવારે વિધર્મી યુવકો દ્વારા સગીરાની છેડતી કરવા મામલે છેલ્લાં બે દિવસથી ભારેલો અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. ઉમરેઠ પોલીસની શુષ્ક કામગીરીને પગલે યુવતીઓ તથા તેના સબંધીઓને ડરાવવા માટે વિધર્મી લોકોના ટોળાં તલવાર લાકડીઓ સાથેના મારક હથિયાર સાથે બજારમાં ઉતરી પડ્યા હતા.
રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં આતંક મચાવતા ઉમરેઠમાં નગરજનોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. રવિવાર અને સોમવારે ઉમરેઠના માર્ગો ઉપર કરફ્યુ હોઈ તેવી સ્થિત જોવા મળતી હતી. જ્યારે પીડિતાના પરિવારજનો ફરિયાદ નોધાવવા માટે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે પોલીસે ફરિયાદના બદલે સાદા કાગળ ઉપર અરજી લઈ તેમને કાઢી મૂક્યા હતા. સમગ્ર ઘટનાના ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ પણ થયા છે. જોકે, એ સમયે અચાનક લાઈટો જતાં કોઈના ચહેરા પણ સ્પષ્ટ દેખાયા ન હતા.