મણિપુરમાં ઈન્ટરનેટ પુનઃસ્થાપિત કરવાના હાઈકોર્ટના આદેશ સામે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. રાજ્ય સરકારે કહ્યું છે કે પરિસ્થિતિ વારંવાર બદલાઈ રહી છે. હવે આ આદેશનો અમલ કરવો મુશ્કેલ બની શકે છે. ઉલ્લેખનીય છે કે 7 જુલાઈના રોજ મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને રાજ્યમાં ઈન્ટરનેટ પ્રતિબંધ હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. આજે સોલિસિટર જનરલ તુષાર મહેતા રાજ્ય સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા અને હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીનો ઉલ્લેખ કર્યો હતો.
11મી જુલાઈએ સુનાવણી થશે
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે ગત વખતે કોર્ટના ધ્યાન પર લાવવામાં આવ્યું હતું કે પોલીસ સ્ટેશનોમાંથી મોટી સંખ્યામાં હથિયારો લૂંટી લેવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલને તે સંદર્ભમાં લેવાયલા પગલાં વિશે પૂછ્યું? સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે આવતીકાલે 11 જુલાઈએ મણિપુર હિંસા કેસની સુનાવણી કરશે. આ ઉપરાંત, રાજ્યમાં ઈન્ટરનેટ પુનઃસ્થાપિત કરવાની મંજૂરી આપતા હાઈકોર્ટના આદેશ સામે મણિપુર સરકારની અરજી પર પણ આવતીકાલે સુનાવણી થશે.
તણાવ વધારવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરશો નહીં
આ સાથે સુપ્રીમ કોર્ટે સોમવારે મણિપુર હિંસા સંબંધિત કેસોની સુનાવણી કરતા કહ્યું કે મણિપુરમાં તણાવને વધારવા માટે સર્વોચ્ચ અદાલતના મંચનો ઉપયોગ કરવો જોઈએ નહીં. મણિપુર હિંસા અંગે દાખલ પીઆઈએલ પર ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ફક્ત રાજ્ય દ્વારા લેવામાં આવતા પગલાઓ પર નજર રાખી શકીએ છીએ અને જો વધારાના પગલાં લઈ શકાય તો કેટલાક આદેશો પસાર કરી શકીએ છીએ. પરંતુ, અમે કાયદો અને વ્યવસ્થાની મશીનરી અમારા હાથમાં ન લઈ શકીએ. સુરક્ષા સુનિશ્ચિત કરવી એ કેન્દ્ર અને મણિપુર સરકારનું કામ છે. મણિપુર સરકારે સ્થિતિ અંગેનો તાજેતરનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો છે જ્યારે તેના પર સુનાવણી મંગળવારે ફરી શરૂ થશે.
બે મહિના માટે ઇન્ટરનેટ બંધ
ઉલ્લેખનીય છે કે મણિપુરમાં છેલ્લા બે મહિનાથી હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે રાજ્યમાં છેલ્લા બે મહિનાથી ઈન્ટરનેટ પર પણ પ્રતિબંધ મૂકાયો છે. મણિપુર હાઈકોર્ટ દ્વારા ઈન્ટરનેટ પ્રતિબંધ સામેની અરજીઓની સુનાવણી કરવામાં આવી હતી અને આદેશ આપ્યો હતો કે ગૃહ વિભાગ કેસનાઆધારે ઈન્ટરનેટ સેવા પ્રદાન કરી શકે છે.