ઓગસ્ટ 1947માં સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આપવામાં આવેલ ઔપચારિક રાજદંડ (સેંગોલ) અલ્હાબાદ મ્યુઝિયમની નહેરુ ગેલેરીમાં મૂકવામાં આવ્યો હતો અને તેને સંસદની નવી ઇમારતમાં સ્થાપિત કરવા માટે દિલ્હી લાવવામાં આવ્યો છે. ચાંદીના બનેલા અને સોનાથી મઢેલા આ ઐતિહાસિક રાજદંડને 28 મેના રોજ લોકસભા અધ્યક્ષની ખુરશીની નજીક સ્થાપિત કરવામાં આવશે.
મૂળ રાજદંડના નિર્માણ સાથે સંકળાયેલા બે વ્યક્તિ વુમ્મિદી એથિરાજુલુ (96) અને વુમ્મીદી સુધાકર (88) નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. રાજદંડને અલ્હાબાદ મ્યુઝિયમમાંથી દિલ્હી લાવવામાં આવ્યો છે. આ રાજદંડને જવાહરલાલ નેહરુ સાથે સંબંધિત અન્ય ઐતિહાસિક વસ્તુઓની સાથે અલ્હાબાદ મ્યુઝિયમની નેહરુ ગેલેરીમાં રાખવામાં આવ્યો હતો.
અમિત શાહે કહ્યું, નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે, ત્યારે મોદી ખૂબ જ નમ્રતાથી તમિલનાડુના એક અધીનમ પાસેથી ‘સેંગોલ’ ગ્રહણ કરશે અને સન્માન સાથે તેને લોકસભામાં સ્થાપિત કરવામાં આવશે.
નવા સંસદ ભવન સાથે સેંગોલ પણ ચર્ચામાં છે. 2021 માં પ્રથમ વખત પ્રખ્યાત ભરતનાટ્યમ નૃત્યાંગના પદ્મા સુબ્રમણ્યમે સેંગોલને લઈને વડાપ્રધાન કાર્યાલયને એક પત્ર લખ્યો હતો. પદ્મા સુબ્રમણ્યમને તે સમયે ખાતરી નહોતી કે સેંગોલ વિશે લખેલો તેમનો પત્ર કોઈ મોટી ઘટનામાં ફેરવાઈ જશે. બે વર્ષ બાદ સેંગોલ એટલે કે રાજદંડને નવા સંસદભવનમાં સ્થાપિત કરવામાં આવશે.
તેમણે કહ્યું કે તમિલ સંસ્કૃતિમાં સેંગોલનું ખૂબ મહત્વ છે. છત્ર, સેંગોલ અને સિંહાસન મુખ્યત્વે રાજાની શક્તિઓ વિશે છે. સેંગોલને શક્તિ અને ન્યાયનું પ્રતીક માનવામાં આવે છે. આ એક હજાર વર્ષ પહેલાં આવેલી કોઈ વાત નથી. તમિલ ઈતિહાસમાં ચેરા વંશ સુધી તેની તાર જોડાયેલા છે.
પ્રસિદ્ધ ભરતનાટ્યમ નૃત્યાંગના પદ્મા સુબ્રમણ્યમનો જન્મ 4 ફેબ્રુઆરી 1943ના રોજ થયો હતો. પદ્માના પિતા પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક અને માતા સંગીતકાર હતા. પદ્મ ભૂષણ અને પદ્મશ્રી જેવા પુરસ્કારોની સાથે તેમને ઘણા વિદેશી પુરસ્કારો પણ મળ્યા છે. પદ્મા સુબ્રમણ્યમે 14 વર્ષની ઉંમરે બાળકોને ભરતનાટ્યમ શીખવવાનું શરૂ કર્યું.