ANB મેટલ કાસ્ટના શેરમાં આજે મજબૂત શરૂઆત જોવા મળી. કંપનીના IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો, જેના કારણે લિસ્ટિંગ પ્રીમિયમ પર થયું. IPO હેઠળ શેરનો ઇશ્યૂ પ્રાઇસ ₹156.00 નક્કી કરાયો હતો, જ્યારે NSE SME પર તેનો લિસ્ટિંગ ભાવ ₹164.00 રહ્યો. આ રીતે રોકાણકારોને સીધો 5.13% નો લિસ્ટિંગ ગેઇન મળ્યો. શરૂઆત પછી શેરે વધુ તેજી બતાવી અને ₹172.20 સુધી પહોંચ્યો, જે તેની ઉપલી સર્કિટ લિમિટ છે. આ સ્તરે IPO રોકાણકારો માટે નફો વધીને 10.38% સુધી પહોંચી ગયો છે, જે દર્શાવે છે કે કંપનીમાં લાંબા ગાળાના વૃદ્ધિના આશાવાદને કારણે રોકાણકારોની સકારાત્મક ભાવના મજબૂત છે.
બીજી તરફ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની અગત્યની કંપની KEC ઇન્ટરનેશનલને નવા ઓર્ડર મળ્યા છે. RPG ગ્રુપની આ કંપનીએ તેના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન, સિવિલ, કેબલ અને કંડક્ટર વ્યવસાયોમાં કુલ ₹1,402 કરોડના ઓર્ડર હાંસલ કર્યા છે. આ નવા ઓર્ડરો સાથે કંપનીના વર્ષ-થી-તારીખ (YTD) કુલ ઓર્ડર બુક ₹8,400 કરોડને વટાવી ગઈ છે. પરિણામે કંપનીના શેરમાં મજબૂત તેજી જોવા મળી અને ભાવ ₹32.15 અથવા 4.13% વધી ₹810.20 પર પહોંચી ગયો. જો કે, શેર હજુ તેના 52 અઠવાડિયાના ઉચ્ચ સ્તર ₹1,312.00 થી લગભગ 38.25% નીચે છે, પરંતુ તેના 52 અઠવાડિયાના નીચલા સ્તર ₹605.05 થી 33.91% ઉપર છે, જે સૂચવે છે કે મધ્યગાળામાં પુનઃપ્રાપ્તિની સંભાવના મજબૂત બની શકે છે.
કાવેરી સીડ કંપનીના શેરમાં બીજી તરફ દબાણ જોવા મળ્યું છે. આજે શેર ₹61.70 ઘટીને 5.60% ના ઘટાડા સાથે ₹1,040.95 પર ટ્રેડ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન તેણે ₹1,095.00 નો ઇન્ટ્રાડે હાઇ અને ₹1,036.00 નો ઇન્ટ્રાડે લો સ્પર્શ્યો. છેલ્લા ત્રણ અઠવાડિયામાં આ સૌથી મોટો ઘટાડો છે. ટેક્નિકલ દ્રષ્ટિએ જોવામાં આવે તો, પહેલી કેન્ડલ પર વેચાણનો સંકેત આવ્યો છે, જે દર્શાવે છે કે અહીંથી 50 થી 75 પોઈન્ટ સુધી વધુ સુધારો જોવા મળી શકે છે. 52 અઠવાડિયાના દ્રષ્ટિકોણથી, આ શેર ₹1,601.85 ના ઉચ્ચ સ્તરથી હાલ 35.02% નીચે છે, જ્યારે નીચલા સ્તર ₹803.05 થી 29.62% ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.
ગો ફેશન (ઈન્ડિયા) લિમિટેડમાં એક મહત્વપૂર્ણ કોર્પોરેટ વિકાસ સામે આવ્યો છે. કંપનીના પ્રમોટર રાહુલ સારાગીએ પોતાના 8.4 લાખ શેર ગીરવે મૂક્યા છે. આ ગીરવે મૂકવાની માહિતી સેબી (SEBI) ના નિયમન 31(1) હેઠળ જાહેર કરવામાં આવી છે. આ ગીરવે કોટક મહિન્દ્રા બેંક, ઇન્ડસઇન્ડ બેંક સહિતના ધિરાણકર્તાઓના પક્ષમાં મૂકવામાં આવ્યા છે, જેમાં કેટાલિસ્ટ ટ્રસ્ટીશીપ લિમિટેડ ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. ગીરવે મૂકવાનું કારણ વ્યક્તિગત ઉધાર હોવાનું જણાવાયું છે, જે રોકાણકારો માટે થોડી ચિંતાજનક બાબત બની શકે છે કારણ કે તે કંપનીના સ્ટોકમાં દબાણ લાવી શકે છે.
મેક્રો સ્તરે જોવામાં આવે તો, આજે બજાર માટે સારા સમાચારની સરવાણી જોવા મળી રહી છે. બજાર મજબૂત ગેપ-અપ સાથે ખુલ્યું. સેન્સેક્સ 898.47 પોઈન્ટ વધીને 81,562.07 પર પહોંચ્યો અને નિફ્ટી 316.35 પોઈન્ટ વધીને 24,945.45 પર ટ્રેડ થઈ રહ્યો છે. પ્રી-ઓપનિંગ સેશનમાં જ નિફ્ટીમાં 434 પોઈન્ટનો મોટો ગેપ જોવા મળ્યો હતો. આવા મોટા ગેપ-અપ પર ઘણીવાર બજાર ખુલ્યા પછી થોડી નફા વસૂલાત જોવા મળે છે અને ગેપ કવર થતો હોય છે, તેથી રોકાણકારો માટે સાવધાની જરૂરી છે.
માર્કેટને પ્રોત્સાહિત કરનારા મુખ્ય પરિબળોમાં સરકાર તરફથી આવેલા નવા આર્થિક સંકેતોનો પણ સમાવેશ થાય છે. સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ મોટું ઘોષણ કર્યું છે કે GST માં મોટા સુધારા કરવામાં આવશે. હાલના 4% સ્લેબને બદલે હવે ફક્ત બે સ્લેબ – 5% અને 18% રહેશે. SIN પ્રોડક્ટ્સ પર 40% GST પ્રસ્તાવિત છે. આ સાથે જ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતના વિઝનને વધુ વેગ આપવામાં આવશે, જે રક્ષા સંબંધિત શેરો માટે સકારાત્મક છે.
વૈશ્વિક સ્તરે પણ સારા સંકેતો જોવા મળી રહ્યા છે. ટ્રમ્પ અને પુતિન વચ્ચેની બેઠકમાંથી સકારાત્મક પરિણામની અપેક્ષા છે, તેમજ ભારતમાંથી ગૌણ 25% ટેરિફ દૂર થવાની સંભાવના છે. સાથે જ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ટ્રમ્પની આવનારી મુલાકાત વૈશ્વિક રોકાણકારોની નજરમાં છે. આ બેઠકમાં શાંતિ કરાર અંગે ચર્ચા થવાની અપેક્ષા છે. બીજી તરફ, સોનાના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. બે અઠવાડિયાના નીચલા સ્તર સુધી જતાં સોનામાં યુએસ ટ્રેઝરી યીલ્ડ ઘટવાથી તેજી આવી છે અને હાલ સ્પોટ ગોલ્ડ $3,345.64 પ્રતિ ઔંસ સુધી વધી ગયું છે, જ્યારે ડિસેમ્બર ડિલિવરી માટેનો યુએસ ગોલ્ડ ફ્યુચર $3,391.80 સુધી પહોંચી ગયો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel