આજથી અહીં શરૂ થયેલ ૨૪ વિપક્ષોની મહા પરિષદનું મિશન ૨૪ છે તે સર્વવિદત છે. આ પરિષદમાં ઉપસ્થિત રહેવા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અહીં આવી પહોંચ્યા છે. આપના નેતા અરવિંદ કેજરીવાલે પણ કોંગ્રેસ સાથે સમાધાન થઈ ગયા પછી આ બેઠકમાં ઉપસ્થિત રહેવા નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય તે છે કે, જમ્મુ અને કાશ્મીરના બે પૂર્વ મુખ્ય મંત્રીઓ, ફારૂક અબ્દુલ્લા અને મહેબૂબા મુફિત પણ ઉપસ્થિત રહ્યાં છે. તેમજ તમિળનાડુના મુ. મંત્રી એન.કે. સ્ટાલીન પણ ઉપસ્થિત રહેતાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના પટમાં વિપક્ષો એકત્રિત થવા અને ચોવીશની ચૂંટણીમાં ભાજપને પછડાટ આપવા કમર કસી રહ્યાં છે. ત્યારે દિગ્ગજ રાજકારણી શરદ પવારે આજની બેઠકમાં ઉપસ્થિત રહેવામાં પોતાની અશક્તિ દર્શાવતાં કહ્યું હતું કે તેઓ આવતી કાલે ચોક્કસ હાજર રહેશે.
વાસ્તવમાં આજે ચાર વાગ્યાથી વિપક્ષી દળોની પરિષદ વિધિવત શરૂ થવાની છે. તે પૂર્વે કોંગ્રેસ શાસિત રાજ્ય કર્ણાટકમાં યોજાઈ રહેલી આ પરિષદના આજના પહેલા જ દિવસે કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા ભવ્ય ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો. તે વિશે કેટલાક ટીકાકારો કહે છે કે કદાચ કોઇપણ કારણ કે કોઇપણ બહાને વિપક્ષી એકતા ન સધાય તો પરિષદના અંતે યોજેલા ભોજન સમારંભના લાડુ કડવા બની રહે.
શરદ પવાર તેમના જ ભત્રીજા અજિત પવારે કરેલા બળવા પછી થોડી મુંઝવણ અનુભવી રહ્યા છે. તેઓએ એનસીપીના પોતાની તરફે રહેલા સભ્યોની આજે ૧૭મીએ એક બેઠક પણ બોલાવી છે. તેથી તેઓ આવતીકાલે વિપક્ષી પરિષદમાં ઉપસ્થિત રહેશે. પરંતુ સતત સામસામી તલવારબાજી ખેલતાં, મમતા બેનર્જી અને સીપીઆઈ (એમ)ના સીતારામ યેચુરી તથા સીપીઈના ડી. રાજાની ઉપસ્થિતિ ધ્યાનાકર્ષક બની રહી છે.
ભાજપના સૌથી પહેલા સાથી પક્ષ શિવસેનાનાં ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે જૂથ (યુવીટી-શિવસેના) ના ઉદ્ધવ ઠાકરે પણ વિપક્ષમાં છે. બિહારના નીતીશકુમાર, તેજસ્વી યાદવ સપાના નેતા અખિલેશ યાદવ સાથે જયંત ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત લાલુપ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ પણ વિપક્ષી – મહાગઠબંધન પરિષદમાં ઉપસ્થિત રહ્યા.
આ બેઠકનો એજન્ડા આ પ્રમાણે છે :
1. ચોવીશની ચૂંટણી માટે કોમન મિનિમમ પ્રોગ્રામનું ડ્રાફટિંગ કરવું. ગઠબંધન માટે એક સમિતિ રચવી.
2. વિવિધ પક્ષોનાં સંમેલનો અને રેલીઓ જોતાં, પક્ષ-પક્ષ વચ્ચેના મતભેદો દૂર કરવા.
3. સીટ-શેરિંગ ઃ તેમાં રાજ્યવાર પક્ષોની પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવો.
4. ઈવીએમ અંગે થયેલી ફરિયાદોની દ્રષ્ટિએ ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવી.
5. અત્યારે તો આ ગઠબંધનનું નામ પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક એલાયન્સ (પીડીએ) રખાયું છે પરંતુ નવું નામ શું રાખવું તે વિષે ચર્ચા થશે.
6. આ ગઠબંધન માટે એક કાયમી ઓફિસ રાખવી.