ગુજરાત વિધાનસભામાં મંગળવારે ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) (સુધારા) વિધેયક સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો. આ સુધારા વિધેયક હેઠળ દૈનિક કામના કલાકો, ઓવરટાઇમ મર્યાદા અને મહિલાઓની રાત્રિ શિફ્ટ સંબંધી નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જે રાજ્યના નાના વેપારીઓ, સ્ટાર્ટ-અપ્સ અને કામદારો માટે સહાયક રહેશે.
દૈનિક કામના કલાકોમાં વધારો
શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા રજૂ કરાયેલા સુધારા વિધેયક અનુસાર, દૈનિક કામના કલાકોની મર્યાદા અગાઉના 9 કલાકથી વધારીને 10 કલાક કરવામાં આવી છે. અગાઉ 10 કે તેથી વધારે કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ પર જ નિયમ લાગુ પડતો હતો, હવે આ મર્યાદા 20 કે તેથી વધારે કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ પર લાગુ પડશે. આથી હજારો નાના વેપારીઓ અને સ્ટાર્ટ-અપ્સને લાભ થશે.
સળંગ કામના કલાકોની મર્યાદા પણ 5 કલાકથી વધારીને 6 કલાક કરવામાં આવી છે, જે ગ્રાહક સુવિધા અને સંસ્થાઓની કાર્યક્ષમતા વધારશે.
ઓવરટાઇમ મર્યાદામાં ફેરફાર
વિધેયકમાં ત્રણ મહિનામાં ઓવરટાઇમ કામની મહત્તમ મર્યાદા 125 કલાકથી વધારીને 144 કલાક કરવામાં આવી છે. આ પગલાંથી કામદારોને વધુ આરામ અને સલામતી સાથે વધુ કામ કરવાની તક મળશે.
મહિલાઓની રાત્રિ શિફ્ટ સુરક્ષા
નવા નિયમો અનુસાર, જો મહિલા શ્રમયોગીની સંમતિ હોય અને સંસ્થા દ્વારા આરામ માટે રૂમ, શૌચાલય, રાત્રિ ગેસ્ટ હાઉસ, સલામતી અને નિવાસ સુધી લાવવામાં વ્યવસ્થા કરવામાં આવી હોય, તો મહિલાઓ રાત્રિ 9 થી સવારે 6 વાગ્યા સુધી કામ કરી શકશે. આ નિયમનો હેતુ મહિલાઓની રાત્રિ શિફ્ટમાં સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે.
શ્રમ મંત્રીએ જણાવ્યું કે આ સુધારા વિધેયક કામદારોની સ્થિતિ સુધારવા, મહિલાઓ માટે નોકરીની તકો વધારવા, ધંધા શરૂ કરવા અનુકૂળ વાતાવરણ પૂરૂં પાડવા, વર્ષભરના 365 દિવસ દુકાનો ચલાવવા અને કાર્યસ્થળે સલામતી જાળવવા માટે કરાયેલ છે. તે સાથે ઓનલાઇન રજિસ્ટ્રેશન અને સંસ્થા ચલાવવાની સ્વતંત્રતા પણ આપવામાં આવી છે.
આ સુધારા વિધેયકથી ગુજરાતના કર્મચારીઓ, વેપારીઓ, સ્ટાર્ટ-અપ્સ અને મહિલાઓ માટે કાર્યસ્થળ વધુ સુરક્ષિત, પ્રભાવશાળી અને કાર્યક્ષમ બનશે, જે રાજ્યના આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ગણાય છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom