રીપોટૅર- સુરેશ પારેખ (કપડવંજ)
અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદના કારણે કપડવંજ તાલુકાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતાં. તાલુકાના સૂકી અને થવાદ ગામ વચ્ચે આવેલ ધામણી નદીના બેટ વિસ્તારમાં છ લોકો ફસાઈ ગયા હતાં. અને તેઓનો જીવ જોખમમાં મુકાયો હતો. કપડવંજ નગરપાલિકાના ફાયર બ્રિગેડ અને કપડવંજ રૂરલ પોલીસ વઘાસ આઉટ પોસ્ટના માણસોએ સત્વરે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેઓને સલામત રીતે બહાર કાઢી જીવ બચાવ્યો હતો.
કપડવંજ ફાયર બ્રિગેડ અને રૂરલ પોલીસ સ્ટેશન કપડવંજના સંયુક્ત ઓપરેશનમાં બેટ વચ્ચે ફસાઈ ગયેલા છ માણસો જેમાં સોલંકી રાવજીભાઈ માનાભાઈ, સોલંકી મંજુલાબેન રાવજીભાઈ, સોલંકી પિન્કીબેન રાવજીભાઈ, સોલંકી ધ્રુમિલ રાવજીભાઈ, સોલંકી હિમેશ રવજીભાઈ અને સોલંકી જાબીરભાઈ સાંકળભાઈને બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કપડવંજ તાલુકાના અનેક ગામો અસરગ્રસ્ત થયા છે. કપડવંજ મામલતદાર જય પટેલ અને તાલુકા વિકાસ અધિકારી ધવલ પટેલ, અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ સાથે અસરગ્રસ્ત ગામોની રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનોની મુશ્કેલીઓ હલ કરવા સ્થળ પર પહોંચ્યા છે.