બે વર્ષથી રશિયા સામે જંગ લડી રહેલા યુક્રેનના હજારો સૈનિકો મોતને ભેટયા છે. હથિયારોની સાથે સાથે સૈનિકોની અછતનો પણ યુક્રેન સામનો કરી રહ્યું છે. આ પ્રકારની સ્થિતિમાં યુક્રેન ની સંસદે સેનામાં નવા સૈનિકોની ભરતી કરવા માટે એક વિવાદાસ્પદ કાયદાને મંજૂરી આપી દીધી છે.
આ કાયદાને જોકે સંસદમાં પસાર કરવામાં ખાસો વિલંબ થયો હતો. તેની અમુક જોગવાઈઓ સાંસદોને ઘણી આકરી લાગી હતી. જેના કારણે તેમાં સુધારા વધારા કરવા માટે નિર્ણય લેવાયો હતો. કારણ કે સાંસદોને ડર હતો કે આ કાયદાથી લોકોમાં નારાજગી વધશે. નવા કાયદામાં યુક્રેનની સેનાના નાગરિકોને સૈન્યમાં ભરતી કરવા માટે ફરજ પાડી શકાય છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીનું કહેવુ હતું કે યુક્રેનની સેનાના અનુરોધ ઉપર આ કાયદો લાવવામાં આવ્યો છે. યુક્રેનની સેના પાંચ લાખ નવા સૈનિકોની ભરતી કરવા માંગે છે. કારણકે રશિયા સાથેના યુદ્ધ બાદ વિવિધ મોરચા પર સૈનિકોની અછત વરતાઈ રહી છે.