ગુજરાતમાં દિવાળી પછી પડેલા કમોસમી વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સતત વરસેલા વરસાદને કારણે લાખો હેક્ટર જમીનમાં ઉભો પાક નષ્ટ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો સહન કરવો પડી રહ્યો છે. ખેડૂતોની આ હાલતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આર્થિક સહાય પેકેજ જાહેર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કૃષિ મંત્રી, કૃષિ સચિવ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન વરસાદના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન અને ખેડૂતોને સહાય આપવા માટેના ઉપાયો પર ચર્ચા થઈ હતી. સૂત્રો મુજબ, રાજ્ય સરકાર ટૂંક સમયમાં વિશેષ આર્થિક સહાય પેકેજની જાહેરાત કરી શકે છે.
રિપોર્ટ્સ અનુસાર, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મગફળી, કપાસ અને તલના પાકને ભારે નુકસાન થયું છે. ઘણા ખેડૂતોની પાક કાપણી પહેલાં જ નષ્ટ થઈ ગઈ છે, જેના કારણે તેઓ આર્થિક સંકટમાં ફસાયા છે. ખેડૂત સંગઠનો અને વિપક્ષ પક્ષોએ સતત સરકાર પાસે સહાય પેકેજની માંગણી કરી છે.
આ પહેલાં કૃષિ મંત્રી અને ત્યારબાદ મુખ્યમંત્રીએ પણ જાહેરમાં આશ્વાસન આપ્યું હતું કે ખેડૂતોના નુકસાનનું યોગ્ય વળતર આપવામાં આવશે. આ માટે સરકારે ડિજિટલ સર્વેની શરૂઆત પણ કરી હતી, જેથી નુકસાનનું સાચું મૂલ્યાંકન થઈ શકે. જો કે, સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ખેડૂતોે આ સર્વેનો વિરોધ કર્યો હતો, કારણ કે તેમના મતે સર્વે યોગ્ય રીતે હાથ ધરાયો નહોતો અને તેમાં ભૂલો હતી.
ખેડૂતો હવે માત્ર આર્થિક સહાય નહીં, પરંતુ બેન્ક લોન માફીની પણ માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે પાક નષ્ટ થવાને કારણે તેઓ હવે ધિરાણ ચૂકવવા સક્ષમ નથી. હજી સુધી આ મુદ્દે સરકારે કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નથી, પરંતુ અનુમાન છે કે સહાય પેકેજમાં કેટલાક રાહતના પગલાં સામેલ કરવામાં આવી શકે છે.
વિશ્લેષકોનું માનવું છે કે આ નિર્ણય રાજ્યના લાખો ખેડૂતો માટે રાહતરૂપ સાબિત થશે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં વરસાદે ખેતીને પૂરેપૂરી રીતે બરબાદ કરી દીધી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel