દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક બોલાવી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાનારી કેન્દ્રીય મંત્રી પરિષદની આ બેઠકમાં તમામ કેન્દ્રીય મંત્રીઓ, સ્વતંત્ર પ્રભારી મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓ ભાગ લેશે. આ બેઠક દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે નવા બનેલા કન્વેન્શન સેન્ટરમાં થવાની ધારણા છે. ભાજપના ટોચના નેતાઓની અનેક બેઠકો બાદ મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચાએ જોર પકડ્યું છે.
કેન્દ્રીય કેબિનેટમાં પણ ફેરબદલ થઈ શકે
રવિવારે મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલ બાદ અજિત પવાર તેમની પાર્ટીના ધારાસભ્યો સાથે ભાજપ-શિવસેના સરકારમાં જોડાયા હતા. તેમને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઘટનાક્રમ બાદ હવે કેન્દ્રીય કેબિનેટમાં પણ ફેરબદલ થઈ શકે છે અને આજે યોજાનારી બેઠકમાં તેના પર ચર્ચા થઈ શકે છે.
મોદી સરકારના 9 વર્ષના કાર્યક્રમોની પૂર્ણહુતિ બાદ આ બેઠક બોલાવવામાં આવી છે. 3 જુલાઈ સાંજે 4 કલાકે પ્રગતિ મેદાનમાં ખાતે બેઠક થશે. આ પહેલા ગત સપ્તાહ મોડી રાત સુધી પીએમ નિવસ્થાને બેઠકનો દોર ચાલ્યો હતો. આ ઉપરાંત કેટલાક રાજ્યોમાં પ્રદેશ પ્રમુખમાં પણ બદલાવ થઈ શકે છે. જે.પી. નડ્ડાની ટીમમાં પણ નવા ચહેરાઓનો સમાવેશ થઈ શકે છે.
મંત્રીઓ પાસેથી કામગીરી અંગે રિપોર્ટ માંગવામાં આવશે
આ પહેલા બજેટ સત્ર પહેલા મંત્રી પરિષદની બેઠક મળી હતી. કોરોનાકાળ બાદ પણ મંત્રી પરિષદની બેઠક બોલવાઈ હતી. ત્યારબાદ મોદી મંત્રી મંડળમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા હતા. પહેલા સરકારમાં વિસ્તરણ ત્યારબાદ સંગઠનમાં બદલાવની અટકળો ચાલી રહી છે. જો કે આજની બેઠકમાં તમામ મંત્રીઓ પાસેથી કામગીરી તથા પર્ટફોલિયો અંગે રિપોર્ટ માંગવામાં આવશે.
આગામી ચોમાસુ સત્ર પહેલા કેન્દ્રીય મંત્રી મંડળમાં ફેરફાર થશે. જો કે વખતે ભાજપ સાથે એલાયન્સ દળોના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થઈ શકે છે. બિહારના ચિરાગ પાસવાનનો મંત્રી મંડળમાં સમાવેશ થઇ શકે છે. NCP માંથી પ્રફુલ પટેલને પણ સ્થાન મળી શકે છે. મહારાષ્ટ્રના પરિવર્તન બાદ પવાર અને શિંદે ગ્રુપના મંત્રીઓનો પણ સમાવેશ થઈ શકે છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાતને લઈને હાલ જેસે થેની સ્થિતિ રહેશે.
ગઠબંધનના નવા સાથીઓને સ્થાન મળી શકે છે. તેલંગણા અને કર્ણાટકના પ્રદેશ પ્રમુખો બદલી શકે છે. ત્રણ નવા રાષ્ટ્રીય મહામંત્રી બની શકે છે. અજીત પવાર અને એકનાથ શિંદે જુથના નેતાઓને કેન્દ્રિય કેબિનેટમાં સ્થાન મળી શકે છે.