ઐતિહાસિક તીર્થધામ ધનાબાપા જગ્યા ધોળામાં સર્વજીવ કલ્યાણ તથા પિતૃ મોક્ષાર્થે આગામી શુક્રવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે. મહંત બાબુરામ ભગત અને જગ્યાનાં સેવકોનાં સંકલનથી ભાર્ગવદાદાના વ્યાસાસને આયોજન થયેલ છે.
ગોહિલવાડનાં ઐતિહાસિક તીર્થધામ ધનાબાપા જગ્યા ધોળામાં ધનાબાપા સમસ્ત સેવક સમુદાયનાં આયોજન દ્વારા આગામી શુક્રવાર તા.૧૦થી શુક્રવાર તા.૧૭ દરમિયાન શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે.
મહંત બાબુરામ ભગત અને જગ્યાનાં સેવકોનાં સંકલનથી સર્વજીવ કલ્યાણ તથા પિતૃ મોક્ષાર્થે શાસ્ત્રી ભાર્ગવદાદાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન સંતો મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિ રહેનાર છે.
ધનાબાપા સેવા સંસ્થાન દ્વારા યજમાન પરિવાર તેમજ સેવક ભાવિકોનાં સદભાવ સાથેનાં આ ધાર્મિક આયોજનમાં સુંદરકાંડ, સંતવાણી, રાસ ગરબા સાથેનાં સાંસ્કૃતિક ઉપક્રમો પણ રખાયા છે. કથા સમાપન સાથે પિતૃમોક્ષ વંદના વિધિમાં યજમાનો જોડાશે. આ માટે ભાવ ઉત્સાહ સાથે તૈયારીઓ ચાલી રહી છે.
રિપોર્ટર -મૂકેશ પંડિત(ભાવનગર)