ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં) હમાસના ઠેકાણાઓ પર ભીષણ બોમ્બમારો યથાવત્ છે. તેને લઈને ઈરાને હવે ઈઝરાયલને મોટી ધમકી આપી દીધી છે. ઈરાને કહ્યું છે કે જો ઈઝરાયલે ગાઝા પર જારી હુમલા બંધ ન કર્યા તો પછી અન્ય મોરચાઓ પર યુદ્ધની શરૂઆત થઈ શકે છે.
અત્યાર સુધી કેવી છે સ્થિતિ યુદ્ધની?
ખરેખર પેલેસ્ટાઈનના ગાઝા પટ્ટીમાં નેતૃત્વ કરતાં હમાસ સંગઠને ઈઝરાયલ પર ભીષણ હુમલો કરી દીધો હતો. હમાસે પહેલા ઈઝરાયલ પર 6000થી વધુ રોકેટ ઝિંક્યા અને પછી તેના આતંકીઓએ ઈઝરાયલમાં ઘૂસીને આતંક મચાવ્યો હતો જેમાં અત્યાર સુધીમાં 1500 જેટલાં ઈઝરાયલીઓના મોત નીપજ્યાં છે. ઈઝરાયલ પણ આ હુમલાઓનો જવાબ આપી રહ્યો છે અને તેણે પણ 1550 જેટલાં ગાઝામાં આતંકીઓને મારી નાખ્યા છે. તેણે ગાઝા પટ્ટીની નાકાબંધી કરીને વીજળી-પાણીનો સપ્લાય પણ અટકાવી દીધો છે.
ઈરાનના વિદેશમંત્રીની હમાસના અધિકારીઓ સાથે મુલાકાત
ઈરાનના વિદેશમંત્રી હોસેન અમીર અબ્દુલ્લાહિયાન બેરુત પહોંચ્યા હતા. અહીં તેમની લેબેનોનના અધિકારીઓ, હમાસ અને હિઝબુલ્લાહના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન જ તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં ઈઝરાયલને ખુલ્લી ધમકી આપી હતી કે જો ગાઝા પર ઈઝરાયલ દ્વારા બોમ્બમારો કરવાનું બંધ નહીં કરાય તો પછી અન્ય મોરચાઓ પર યુદ્ધની શરૂઆત કરાશે. ઉલ્લેખનીય છે કે લેબેનોનમાં હિઝબુલ્લાહ તરફથી ઈઝરાયલ પર પહેલાથી હુમલા કરવામાં આવી રહ્યા છે જ્યારે ઈઝરાયલે હવે સીરિયાને પણ નિશાન બનાવવાની શરૂઆત કરી દીધી છે ત્યાં વળી ઈરાને હવે તેને ચોથા મોરચે લડવા માટે પડકારી દીધો છે. જેનાથી ઈઝરાયલની મુશ્કેલી વધી શકે છે.