બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ પોર્ટ નજીક ત્રાટક્યા બાદ 40 કિમી ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે. વાવાઝોડાની અસર રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોવા મળી હતી અને 171 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો જેને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા તો કેટલીક જગ્યાએ વિજપુરવઠો પણ ખોરવાયો હતો. વાવાઝોડા પગલે કેટલાક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા.
અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું બિપરજોય કચ્છના જખૌ પોર્ટ નજીક ત્રાટકી ચૂક્યું છે અને આ કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાની પહોંચી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં કુલ 171 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના ગાંધીધામમાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે અંજાર અને મુંદ્રામાં 5 ઈંચ કરતા વધારે અને ખંભાળિયા અને જામનગરમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સાથે ભુજમાં 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. બિપરજોય વાવાઝોડા અસરના કારણે રાજકોટમાં 2.50 ઇંચ વરસાદ ખાબક્યો હતો. લલુડી વોકળીમાં પાણી ભરાઈ જતાં અસરગ્રસ્તો અન્ય સ્થળે ખસેડવામાં આવ્યો હતા.
બિપરજોય વાવાઝોડાની અસર રાજ્ય પર હજુ જોવા મળશે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે જેમા કચ્છ, બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદ થઈ શકે છે ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, દ્વારકા, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમેરેલી, મોરબી અને ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે.
બિપરજોય વાવાઝોડાને પગલે 940 ગામોમાં વીજપોલ તેમજ 524 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. આ ઉપરાંત 22 લોકોને ઇજા પહોંચી હતી જો કે કોઈ મોટી જાનહાનીના સમાચાર મળ્યા નથી. વાવાઝોડ દરમિયાન 23 જેટલા પશુઓના મોત થયા હતા. આવતીકાલથી જ નુકશાનીનો સર્વે શરુ કરાશે.