બિપોરજોય વાવાઝોડું દિવસેને દિવસે વધુને વધુ વિકરાળ બની રહ્યું છે અને હવે આ વાવાઝોડું ભયાનક આફત બનીને ગણતરીના કલાકમાં ગુજરાતના દરિયાકિનારે ટકરાશે. વાવાઝોડું 15 જુને ગુજરાતની ધરતી પર ટકરાશે ત્યારે તેની આસારો ચોક્કસ ગંભીર થવાની છે પરંતુ આ વાવાઝોડાની ગંભીર અસરો અત્યારથી દેખાવા મળી છે. બિપોરજોય વાવાઝોડું સૌથી વધુ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે અસર કરશે તેમાં પણ કચ્છના જખૌ બંદર તેની સૌથી વધુ અસર જોવા મળશે ત્યારે હાલ ભાવનગર સહત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસરો જોવા મળી રહી છે.
વાવાઝોડાને લઈને ભાવનગરથી ચોંકાવનારી માહિતી સામે આવી છે. ભાવનગરના કોટડાના દરિયા કિનારે ડોલ્ફિન માછલીઓના બચ્ચા તણાઈને દરિયાકાંઠે આવી પહોંચ્યા હતા. કાંઠે તણાઇ આવેલા ડોલ્ફિનના બચ્ચાઓને સ્થાનિકોએ રેસ્ક્યૂ કરી બચાવવા પ્રયાસ કર્યો હતો.
ભાવનગરના ઉંચા કોટડા મહુવા પાસે આવેલ દરીયામાં વાવાઝોડાને કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યાં હતા. જેને કારણે ડોલ્ફિન માછલીના નાના બચ્ચા દરિયા કાંઠે આવી ગયા હતા. જેમાંથી એક બચ્ચને ગામ લોકોએ જોઈ લેતા બચ્ચાને બચાવવા પ્રયાસ કર્યો હતો. પહેલા, ડોલ્ફિનના બચ્ચને દરિયામાં ફરી તરતુ મૂક્યું હતું પરંતુ ભારે મોજાઓને કારણે ડોલ્ફિનનુ બચ્ચું ફરી ફરીને દરિયા કિનારે તણાઇ આવતું હતું. આખરે સ્થાનિક ગામલોકોએ બચ્ચને એક નાના ટબમાં પાણી ભરી તેમાં મૂકી દીધું હતું. સ્થાનિકોનુ માનવું છે કે દરિયામાં કરંટ વધારે હોવાથી ડોલ્ફિન માછલીનુ બચ્ચું બહાર આવી ચડ્યું હતુ.