મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સર્વસમાવેશક વૃદ્ધિ અને સામાજિક-આર્થિક વિકાસ માટે સરકારની મક્કમ પ્રતિબદ્ધતાના ભાગરૂપે, પોસ્ટ વિભાગ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક તથા શ્રમ અને રોજગાર મંત્રાલયના સહયોગથી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા ખેડા જિલ્લાના શ્રમયોગીઓ માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો પ્રયોગિક પ્રારંભ ખેડા જિલ્લાના નડિયાદથી કરવામાં આવ્યો હતો. શ્રમયોગીઓના લાભ માટે આ અનોખી યોજનાને ખેડા જિલ્લામાં પ્રાયોગિક ધોરણે શરૂ કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે.
આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલનો આભાર વ્યકત કરતા જણાવ્યું કે, પંડિત દીનદયાલ ઉપાધ્યાયે વિચાર્યું હતું કે, દેશને સમૃદ્ધ બનાવવો હોય તો શ્રમિકોને પગભર બનાવવા પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતભરના શ્રમિકોને ધ્યાનમાં રાખીને અનેક યોજનાનું ઘડતર કર્યું છે.
આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણએ ખેડા જિલ્લામાં ૬૦ દિવસમાં ૧૦ લાખ મહિલાઓના પોસ્ટ વિભાગમાં ખાતા ખોલાવવા બદલ પોસ્ટ વિભાગના કર્મચારીઓને અભિનંદન પાઠ્વ્યા. સાથેસાથે ખેડા જિલ્લામાં ૬૦ દિવસમાં ૧ લાખ ગરીબ પરિવારોને “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના” નો લાભ મળશે તેવો મુખ્યમંત્રીને વિશ્વાસ આપાવ્યો હતો.
આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના ધારાસભ્યો, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ,અમુલ ડેરીના ચેરમેન, ખેડા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક, પોસ્ટ મહાનિર્દેશક, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંકના સી.ઈ.ઓ તેમજ જિલ્લાના પ્રાંત અધિકારીઓ,જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
યેશા શાહ