ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ ‘અગ્નિકુલ કોસમોસ’ ચાર અસફળ પ્રયાસો બાદ રોકેટ અગ્નિબાણને અંતરીક્ષમાં મોકલવામાં સફળ રહી છે. ભારતીય કંપની દ્વારા અંતરીક્ષમાં મોકલવામાં આવેલું આ બીજુ પ્રાઈવેટ રોકેટ છે. શ્રીહરિકોટા સ્થિત લોન્ચિંગ સ્ટેશન ખાતેથી ગુરુવારે ૩-ડી પ્રિન્ટેડ સેમી-ક્રાયોજેનિક રોકેટ અગ્નિબાણને ચેન્નાઈ સ્થિત સ્ટાર્ટઅપે સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે.
અગ્નિબાણમાં લગાવવામાં આવેલું ભારતીય એન્જિન ‘અગ્નિલેટ’ખાસ છે. તે બંને ગેસ અને લિક્વિડ ફ્યૂલથી ચાલે છે. ભારતમાં આ પ્રકારનું આ એક જ એન્જિન છે. તેને બે ચરણમાં લોન્ચ કરવામાં આવે છે. સંપૂર્ણ રીતે ૩-ડી પ્રિન્ટેડ એન્જિન ૬ કિલોન્યૂટનની તાકાત પેદા કરે છે. તે ૩૦૦ કિલોગ્રામ સુધીનો ભાર ઉઠાવી શકે છે અને તેને લગભગ ૭૦૦ કિમી સુધીની કક્ષામાં લઈ જઈ શકે છે.
છેલ્લા બે મહિનામાં અગ્નિબાણને લોન્ચ કરવાની અનેક કોશિશો કરવામાં આવી હતી. પરંતુ, તકનીકી ખામીઓના કારણે તે લોન્ચ થઈ શક્યું નહતું. અગ્નિબાણને લોન્ચ કરવાની છેલ્લી કોશિશ મંગળવારે કરવામાં આવી હતી. ત્યારે, લિફ્ટ-ઓફથી પાંચ સેકન્ડ પહેલા તેનું લોન્ચિંગ રદ્દ કરવામાં આવ્યું હતું. ઈસરોએ અગ્નિકૂલને લોન્ચિંગમાં મદદ કરી હતી. તેમણે શ્રીહરિકોટામાં નાનું લોન્ચ પેડ બનાવી આપ્યું હતું.
ઈસરો દ્વારા બનાવી આપવામાં આવેલું લોન્ચ પેડ અન્ય લોન્ચ પેડથી લગભગ ૪ કિમી દૂર છે. આ લોન્ચ પેડ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. ચેન્નઈમાં ૨૦૧૭માં શ્રીનાથ રવિચંદ્રન, મોઈન એસપીએમ અને આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર એસઆર ચક્રવર્તીએ અગ્નિકુલ કોસમોસની શરૂઆત કરી હતી. તેમના પ્રોજેક્ટમાં ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ લગભગ રૂ. ૮૦.૪૩ કરોડનું ફંડિગ કર્યું છે.