જાતિ આધારિત વસ્તી ગણતરીની લાંબા સમયથી માગ કરનારા બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે બિહાર સરકારની જાતિ આધારિત વસ્તી ગણતરી પર રોક લગાવવાના પટણા હાઇકોર્ટના ચુકાદાને બદલવાને ઇનકાર કર્યો છે.
સુપ્રીમ કોર્ટે પટણા હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂકવાની બિહાર સરકારની અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી રોકવાનો પટણા હાઇકોર્ટનો આદેશ યોગ્ય છે અને તેમાં કોઇ ફેરફાર કરી શકાય તેમ નથી.
ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કા હેઠળ બિહારમાં સાત થી ૨૧ જાન્યુઆરી વચ્ચે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી હતી. બીજો તબક્કો ૧૫ એપ્રિલે શરૃ થયો હતો જે ૧૫ મે સુધી ચાલવાનો હતો.
ન્યાયમૂર્તિ અભય એસ ઓકા અને ન્યાયમૂર્તિ રાજેશ બિન્દાલની ખંડપીઠે જણાવ્યું હતુ કે એ વાતની તપાસ કરવી પડશે કે શું આ કવાયત સર્વેક્ષણની આડમાં વસ્તી ગણતરી તો નથી.
ન્યાયમૂર્તિ બિન્દાલે સુનાવણી દરમિયાન મૌખિક રીતે જણાવ્યું હતું કે ઘણા દસ્તાવેજો દર્શાવે છે કે આ કવાયત વસ્તી ગણતરી સિવાય બીજું કંઇ નથી.
ખંડપીઠે જણાવ્યું હતું કે અમે એક વાત સ્પષ્ટ કરી દેવા માગીએ છીએ કે અમે તમને વચગાળાની રાહત આપી શકીએ તેવો આ કેસ નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હાઇકોર્ટે આ કેસની વધુ સુનાવણી ત્રણ જુલાઇના રોજ રાખી છે.
ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે અમે નિર્દેશ આપીએ છીએ કે આ કેસને ૧૪ જુલાઇએ સુચીબદ્ધ કરવામાં આવે. જો કોઇ પણ કારણસર રિટ અરજીની સુનાવણી આગામી તારીખની પહેલા શરૃ થતી નથી તો અમે બિહાર સરકારના વરિષ્ઠ વકીલની દલીલો સાંભળીશું.