સુપ્રીમ કોર્ટે લગભગ બે મહિના સુધી સુનાવણી કર્યા પછી અંતે દેશમાં સજાતીય લગ્નોને કાયદાકીય મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. જોકે, સજાતીય લગ્નો મુદ્દે સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચનો ચૂકાદો ૩-૨થી વિભાજિત રહ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કાયદો બનાવવાનું કામ સંસદનું છે. તેમાં ન્યાયતંત્ર દખલ કરી શકે નહીં. જોકે, સુપ્રીમ કોર્ટે સજાતીય યુગલોના જીવનસાથી પસંદ કરવાના અને સંબંધો બનાવવાના અધિકારોને માન્યતા આપી હતી તેમજ તેમને બેન્કમાં સંયુક્ત ખાતું ખોલાવવા સહિત અન્ય કેટલાક કાયદાકીય અધિકારો અપાવવા માટે સમિતિ બનાવવાની કેન્દ્ર સરકારનું સૂચન સ્વીકારી લીધું હતું.
સજાતીય લગ્નોને માન્યતા આપવા મુદ્દે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડના નેતૃત્વમાં પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે વિભાજિત ચૂકાદો આપ્યો હતો, જેમાં ન્યાયાધીશ એસ રવીન્દ્ર ભટ્ટ, ન્યાયાધીશ પીએસ નરસિંહા અને ન્યાયાધીશ હિમા કોહલીએ વિરોધમાં જ્યારે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ, ન્યાયાધીશ સંજય કિશન કૌલે સજાતીય લગ્નોને મંજૂરીની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે, આ કેસમાં કુલ ચાર ચૂકાદા છે. ન્યાયાધીશ હિમા કોહલી સિવાય અન્ય ચારેય જજે અલગ અલગ ચૂકાદા આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણીની શરૂઆતમાં જ સ્પષ્ટતા કરી હતી કે આ મામલો સ્પેશિયલ મેરેજ એક્ટ ૧૯૫૪ના દાયરામાં જ રહેશે. કોર્ટે એપ્રિલ અને મે મહિનામાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી ૧૧ મેના રોજ ચૂકાદો અનામત રાખ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, કોર્ટ સ્પેશિયલ મેરેજ એક્ટની જોગવાઈઓ રદ કરી શકે તેમ નથી. આ કામ સંસદનું છે. આ સાથે તેમણે એલજીબીટીક્યુ એટલે કે સજાતીય સમુદાય વિરુદ્ધ ભેદભાવ રોકવા માટે કેન્દ્ર સરકાર અને પોલીસ માટે અનેક દિશા-નિર્દેશ જારી કર્યા હતા. તેમણે સજાતીય સમુદાય પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી. તેમ છતાં તેમનું કહેવું હતું કે ન્યાયતંત્રના હાથ બંધાયેલા છે. કોર્ટ કાયદો બનાવી શકતી નથી. તે કાયદાનું અર્થઘટન કરીને તેનો અમલ કરાવી શકે છે. કાયદો બનાવવાનું કામ સંસદનું છે. તેથી સજાતીય લગ્નોને મંજૂરી આપવા મુદ્દે સંસદે જ કોઈ નિર્ણય કરવો જોઈએ.
સીજેઆઈએ કહ્યું કે, આ કોર્ટને કેસની સુનાવણીનો અધિકાર છે. સજાતીયતા એક પ્રાકૃતિક ઘટના છે, જે ભારતમાં સદીઓથી જાણિતી છે. જીવનના અધિકાર હેઠળ અન્ય કોઈપણ વ્યક્તિની જેમ સજાતીય યુગલોને પણ જીવનસાથી પસંદ કરવાનો અને સંબંધ બનાવવાનો અધિકાર છે. તેમણે કહ્યું લગ્ન સ્થાયી સંસ્થા નથી. લગ્નનું સ્વરૂપ બદલાતું રહ્યું છે. સતી પ્રથાથી લઈને બાળલગ્ન અને આંતરજાતીય લગ્ન સુધી લગ્નોનું સ્વરૂપ બદલાતું રહ્યું છે. જોકે, એલજીબીટીક્યુને લગ્નનો અધિકાર આપવા સ્પેશિયલ મેરેજ એક્ટની કલમ ૪માં ફેરફાર કરવો પડે અને તે સાથે જ તે સંસદનું ક્ષેત્ર બની જાય છે.
ન્યાયાધીશ રવીન્દ્ર ભટ્ટે તેમના ચૂકાદામાં કહ્યું કે, સીજેઆઈના નિષ્કર્ષો અને નિર્દેશોતી તેઓ સહમત નથી. અમે એ બાબતે તો સંમત છીએ કે લગ્ન કરવાનો અધિકાર મૌલિક અધિકાર નથી. સ્પેશિયલ મેરેજ એક્ટ ગેરબંધારણીય નથી. ટ્રાન્સજેન્ડર વ્યક્તિને આ કાયદા હેઠળ વિજાતીય વ્યક્તિ સાથે લગ્નનો અધિકાર છે. જોકે, સજાતીય યુગલોને કલમ ૨૧ હેઠળ જીવનસાથી પસંદ કરવાનો અને તેમની સાથે સંબંધ બનાવવાનો અધિકાર છે.
ન્યાયાધીશ એસ કે કૌલે કહ્યું કે, કોર્ટ બહુમતીવાદી નૈતિક્તાની લોકપ્રિય ધારણા સાથે ચેડાં કરી શકે નહીં. પ્રાચીન કાળમાં સમાન લિંગમાં પ્રેમ અને દેખભાળને પ્રોત્સાહન આપતા સંબંધોના રૂપમાં માન્યતા પ્રાપ્ત હતી. કાયદો માત્ર એક પ્રકારના સંઘો વિજાતિયને વિનિયમિત કરે છે. જોકે, સજાીતય યુગલોને સંરક્ષિત કરવા પડશે. સજાતીય લગ્નો અને વિજાતીય લગ્નોને એક જ રીતે જોવા જોઈએ. આ ઐતિહાસિક રીતે સજાતીય યુગલો સાથેનો અન્યાય અને ભેદભાવ ખતમ કરવાનો સમય છે. સરકારે આ લોકોને અધિકાર આપવા માટે વિચાર કરવો જોઈએ.
નોંધનીય છે કે ૧૮ સજાતીય યુગલોએ સુપ્રીમમાં અરજી કરીને તેમના સંબંધોને કાયદાકીય માન્યતા આપવા અરજી કરી હતી. જોકે, કેન્દ્ર સરકારે સજાતીય લગ્નોને માન્યતા આપવાનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ મુદ્દે કાયદો બનાવવાનો અધિકાર સરકારનો છે. સજાતીય લગ્નો માત્ર દેશની સંસ્કૃતિ અને નૈતિક પરંપરાની વિરુદ્ધ જ નથી, પરંતુ તેને માન્યતા આપતા પહેલાં ૨૮ કાયદાની ૧૬૦ જોગવાઈઓમાં ફેરફાર કરવો પડશે અને પર્સનલ લૉમાં પણ સુધારો કરવો પડશે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાની સાથે સાથેસજાતીય સંબંધો માત્ર શહેરો, એલિટ વર્ગ સુધી મર્યાદિત નથી : ચંદ્રચુડ
સજાતીય સંબંધો માત્ર શહેરી એલિટ વર્ગ સુધી મર્યાદિત હોવાની સરકારની દલીલ સ્વીકારી શકાય તેમ નથી. ગામમાં ખેતીનું કામ કરતી મહિલા પણ સજાતીય હોવાનો દાવો કરી શકે છે. સુપ્રીમ કોર્ટનો ચૂકાદો સજાતીય લગ્ન કરનારા લોકોને સામાજિક અથવા કાયદાકીય દરજ્જો આપતો નથી. પરંતુ અન્ય લોકોની જેમ તેમને પણ સમાન અધિકારો મળે તે નિશ્ચિત કરે છે.
સજાતીય યુગલો લગ્ન કરે તો તેઓ તેની સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધણી કરાવી શકે છે. તેમના માટે સુરક્ષિત ઘર બનાવવા જોઈએ.
સજાતીય યુગલોની ફરિયાદો દૂર કરવા માટે હેલ્પ લાઈન બનાવવી જોઈએ.
પરિવારનો ભાગ બનવાની જરૂરિયાત માનવ ગુણનો મુખ્ય ભાગ છે અને આત્મ વિકાસ માટે મહત્વપૂર્ણ છે.
દરેક વિજાતીય લગ્નો સ્થિરતા પૂરી પાડે છે અને માત્ર વિજાતિય વિવાહિત યુગલ જ બાળકને સ્થિર ઊછેર પૂરો પાડે છે તે માન્યતા ખોટી છે.
કોર્ટના નિર્દેશોનો આશય એ નથી કે એક નવી સામાજિક સંસ્થા બનાવવામાં આવે. આ કોર્ટ તેના આદેશના માધ્યમથી માત્ર એક સમુદાય માટે આધાર નથી બનાવતા પરંતુ જીવનસાથી પસંદ કરવાના અધિકારને માન્યતા આપે છે.
વર્ષ ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે જ સજાતીય સંબંધોને ગૂનાની શ્રેણીમાંથી બહાર કાઢવાનો ચૂકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચના આદેશ સુધી સજાતીય સંબંધો આઈપીસીની કલમ ૩૭૭ હેઠળ ગૂનો માનવામાં આવતા હતા.
એલજીબીટીક્યુ સમુદાયના અધિકારો માટે સમિતિ બનાવો
મુખ્ય ન્યાયાધીશે એલજીબીટીક્યુ સમુદાયના અધિકારો મુદ્દે વિચાર કરવા મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓને સમાવતી એક સમિતિ રચવાનું કેન્દ્રનું સૂચન સ્વીકારી લીધું હતું. આ સમિતિ બેન્કમાં સંયુક્ત ખાતુ ખોલવા, સજાતીય પાર્ટનરને રાશન કાડના અધિકાર હેઠળ પરિવાર માની શકાય કે નહીં તે અંગે વિચાર કરશે. વધુમાં આઈટી કાયદા હેઠળ નાણાકીય લાભ, ગ્રેજ્યુઈટી, પેન્શન વગેરે મુદ્દે કેબિનેટ સચિવના અધ્યક્ષપદે સમિતિનો રિપોર્ટ અપાશે અને તેને લાગુ કરાશે.
- આરએસએસ-સરકારે સુપ્રીમના નિર્ણયને આવકાર્યો
- હવે વોટ એમને જ જે અમારા માટે લડશે : એલજીબીટીક્યુ સમુદાય
- સુપ્રીમનો ચૂકાદો સભ્ય સમાજની સાથે વ્યક્તિઓના હિતોને સંતુલિત રાખે છે : સોલિસિટર જનરલ મહેતા
સુપ્રીમ કોર્ટે મંગળવારે સજાતીય લગ્નોને મંજૂરી આપવાનું કામ સંસદ પર છોડયું છે ત્યારે હવે એલજીબીટીક્યુ સમુદાયનું કહેવું છે કે તેઓ હવે તેમના અધિકારોની લડાઈ લડનારાને જ વોટ આપશે. બીજીબાજુ આરએસએસ અને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ચૂકાદાને આવકાર્યો છે.
દેશમાં સજાતીય લગ્નો મુદ્દે સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી એલજીબીટીક્યુ સમુદાયે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો ચૂકાદો ભલે તેમના વિરુદ્ધ આવ્યો હોય, પરંતુ આ કેસમાં તેમનો નૈતિક વિજય થયો છે. સજાતીય યુગલો માટે ભારત સારો દેશ છે. અહીં હવે સમાજની વિચારસરણી બદલાઈ છે. જોકે, હવે અમારો સમુદાય માત્ર એ જ પક્ષને વોટ આપશે, જે અમારા માટે લડશે. એક અંદાજ પ્રમાણે દેશમાં એલજીબીટીક્યુની વસતી ૧૭ ટકા જેટલી છે. આમ, ન્યાયતંત્રમાં લડાઈ લડયા પછી હવે આગળની લડાઈ રાજકીય વળાંક લઈ શકે છે. સજાતીય યુગલોએ કહ્યું કે, કોર્ટે તેમને રસ્તો તો બતાવ્યો છે, પરંતુ સરકાર તરફથી પસાર થતો આ રસ્તો જટિલતાઓથી ભરેલો છે.
દરમિયાન સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો અને કહ્યું કે, બધા જ ચાર નિર્ણય આપણા દેશની ન્યાય વ્યવસ્થા અને નિર્ણય લેવામાં લાગતા બૌદ્ધિક અભ્યાસને આગળના સ્તરે લઈ ગયા છે. દુનિયામાં બહુ ઓછી અદાલતો છે, જ્યાં કોઈ આ પ્રકારની બૌદ્ધિક અને વિદ્વતાપૂર્ણ નિર્ણયની આશા કરી શકે છે. આ ચૂકાદા હંમેશા યાદ રખાશે. આ ચૂકાદો સભ્ય સમાજની સાથે વ્યક્તિઓના હિતોને સંતુલિત રાખે છે. આરએસએસે પણ સુપ્રીમના ચૂકાદાને આવકારતા કહ્યું, આપણી લોકતાંત્રિક સંસદીય વ્યવસ્થા આ અંગે ગંભીરતાથી વિચાર કરી શકે છે અને યોગ્ય નિર્ણય લઈ શકે છે.