તાપી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક ભારે વરસાદ વરસી રહ્યો છે. વાલોડ તાલુકામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાલોડ તાલુકાના કહેર ગામે નવો બનાવવામાં આવેલ રેલવે અંડર પાસ રસ્તામાં ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને અવર-જવર માટે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
કહેર તથા આજુબાજુના ગ્રામજનોને પાણી ભરાવાના કારણે છ થી સાત કિલોમીટરનો ચકરાવો ફરીને અવર-જવર કરવી પડે છે જેને કારણે શાળા કોલેજોમાં ભણતા બાળકો તથા નોકરીએ જતા લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે જેને કારણે સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યારે રેલવે અંડર ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું ત્યારે પાણીના નિકાલ માટેની કોઈપણ વ્યવસ્થા કરવામાં આવી ન હોય ત્યારે જેટલા પણ રેલવે અંડરપાસ બનાવવામાં આવ્યા છે તે દરેકમાં પાણી ભરવાના કારણે સમસ્યા ઊભી થઈ છે.
રેલ્વે તંત્ર દ્વારા મુખ્ય ફાટક બંધ કરી દેતા અવરજવર માટે રેલવેના અંડર ગ્રાઉન્ડ માંથી પસાર થવું પડે છે અને અત્યારે ભારે વરસાદના કારણે અંડર ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે.
વાલોડ મામલતદાર નેહા સવાણી તથા નાયબ મામલતદાર ડિઝાસ્ટર જીલુભા બારડ દ્વારા રૂબરૂ સ્થળ મુલાકાત કરવામાં આવી હતી અને ગામના સરપંચ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ગ્રામજનો દ્વારા મામલતદારને વૈકલ્પિક રસ્તાની રજૂઆત કરવામાં આવી હતી અને આ બાબતે સંબંધિત વિભાગ તથા રેલવેના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
હવે જોવાનું રહ્યું કે ગ્રામજનોની મુશ્કેલીનો અંત ક્યારે આવશે??