રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વ્યારા ખાતે તાપી હુંકાર નામે સ્વયંસેવકોના એકત્રીકરણનો કાર્યક્મ વ્યારા સયાજી મેદાન ખાતે યોજાયો હતો. આ કાર્યક્મમાં તાપી જિલ્લાના દરેક તાલુકાઓ વ્યારા,વાલોડ, ડોલવણ, સોનગઢ, ઉરછલ, નિઝર અને કુકરમુંડા સહીત તમામ તાલુકાઓ માંથી ૧૨૦૦ થી વધુ સ્વયંસેવકોએ કાર્યક્મમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બીલીમોરા નવનાથ ધામના સંત પ.પૂ. શ્રી છોટેદાદા તથા આર.એસ.એસ.ના પ્રશ્ચિમ ક્ષેત્રના કાર્યવાહ બાલાસાહેબ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
વ્યક્તિ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણના શુભ સંકલ્પ સાથે લક્ષ્ય સિદ્ધ કરવા તથા કાર્યનો અવિરત વિસ્તાર થાય તે ઉદ્દેશ્યથી તાપી જિલ્લા એકત્રીકરણનું આયોજન તાપી હુંકાર નામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વ્યારા ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ સવારે ૯.૦૦ કલાકથી શરૂ કરીને સાંજે ૫.૩૦ કલાકે પૂર્ણ થયો હતો. સવારે રજીસ્ટ્રેશન કરીને ચા-નાસ્તો અને ત્યાર બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સવારે પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ બપોરનું ભોજન કરીને બપોરે ૨.૩૦ કલાકે વાજિંત્રો સાથે ૩ ઘોસ સાથે વ્યારા નગરમાં મુખ્ય માર્ગ ઉપર વિશાળ પથ સંચલન યોજાયું હતું , જે સયાજી મેદાનથી નીકળી મુખ્ય માર્ગ થઇ બહુચરાજી મંદિર થઇ પરત સયાજી મેદાન ખાતે પરત ફર્યુ હતું. પથ સંચલન દરમિયાન જાહેર માર્ગો ઉપર વિવિધ સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો તથા સ્થાનિકો દ્વારા પુષ્પવર્ષા કરી ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
પથ સંચલન પત્યા બાદ સાર્વજનિક કાર્યક્રમ યોજાયો હતો, જે દરમિયાન સ્વયંસેવકો દ્વારા વિવિધ યોગ ક્રિયાઓ કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ દ્વારા આશીર્વચન પ.પૂ. શ્રી છોટેદાદાએ સૌપ્રથમ તો જય શ્રીરામ, ભારત માતા કી જય, વંદે માતરમ્ , જેવા જય ઘોષ સાથે હુંકાર કરવામાં આવ્યો હતો, પોતાના પ્રવચનમાં મુખ્યત્વે તાપી જિલ્લામાં ચાલી રહેલ ધર્માંતરણને લઇ યુવાનોને એક થવા ટકોર કરી હતી અને એવા લોકોને તમારા ઘરમાં આવતા અટકાવો એમ કહેવામાં આવ્યું હતું, આદિવાસીઓ હિન્દૂ નથી એવા ફેલાઈ રહેલા ભ્રમ બાબતે તેમણે જણાવ્યું કે બંનેની પુંજા પદ્ધતિ એક છે, જળ, જંગલ, જમીન અને પ્રકૃતિને પુંજતા આવ્યા છે, ત્યારે અલગ કેવી રીતે હોઈ શકે એમ જણાવ્યું હતું. અંગ્રેજો દ્વારા લાવવામાં આવેલો ધર્મને જાકારો આપી સનાતન ધર્મને અપનાવવા અનુરોધ કર્યો હતો.
આર.એસ.એસના પ્રશ્ચિમ ક્ષેત્રના કાર્યવાહ બાલાસાહેબ ચૌધરીએ પણ સંઘના શરૂઆતના કઠણાઈ ભરેલા દિવસોને યાદ કરી આજે ૯૯ વર્ષે દેશ નિર્માણમાં સંઘની ભાગીદારી તથા દુનિયાનું સૌથી મોટું સંગઠન જણાવ્યું હતું. તેમણે ખ્રિસ્તીઓ દ્વારા થઇ રહેલા ધર્માંતરણ, તથા મુસ્લિમો દ્વારા થઇ રહેલા લવ જેહાદ, બાહ્ય લોકોને પ્રોત્સાહન આપી વસવાટ કરાવવો, વસ્તી વધારી અને વામપંથીઓ દ્વારા જૂઠી વાતો દ્વારા લોકોને ગુમરાહ કરવાની કામગીરીની આલોચના કરી હતી. તેમણે સંઘના ૧૦૦વર્ષ પૂર્ણ થયા બાદ પણ સદ્ભાવ, કુટુંબ પ્રબોધન સ્વદેશી, પર્યાવરણ, સમરસતા તથા નાગરિક સહિત સહીત વિષયો પર કામ કરી સમાજ પરિવર્તન ની કામગીરી કરતું રહેશે એમ જણાવ્યું હતું.
કાર્યક્મ સ્થળે સેવિકા સમિતિ બહેનો દ્વારા ધ્વજ મંડળની આસપાસ તથા સ્ટેજની આગળનો ભાગ ફૂલો તથા રંગોળીથી સુશોભિત કરવામાં આવ્યો હતો. તાપી પોલીસ વિભાગ દ્વારા પથ સંચલન દરમિયાન ટ્રાફિકની વ્યવસ્થા સંભાળવામાં આવી હતી.