ભારત–ઑસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર (ECTA) હેઠળ ભારતીય નિકાસ માટે મોટી ખુશખબર સામે આવી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી, 2026થી ઑસ્ટ્રેલિયા ભારતીય તમામ ઉત્પાદનો પર લાગતી ટેરિફ સંપૂર્ણપણે દૂર કરશે. આ જાહેરાત ECTA કરારની ત્રીજી વર્ષગાંઠે કરવામાં આવી છે. 29 ડિસેમ્બર, 2022થી અમલમાં આવેલા આ કરારથી ભારતની નિકાસમાં સતત વધારો થયો છે અને ભારતીય ઉત્પાદનોને ઑસ્ટ્રેલિયાના બજારમાં વધુ મજબૂત પ્રવેશ મળ્યો છે. પિયુષ ગોયલે જણાવ્યું કે આ નિર્ણયથી ભારતના શ્રમ-સઘન ક્ષેત્રોને ખાસ ફાયદો થશે અને MSME, ખેડૂતો તથા કામદારો માટે નવી તકો ખુલશે.
As we mark the 3rd anniversary of the India-Australia Economic Cooperation & Trade Agreement (Ind-Aus ECTA), we celebrate a partnership that has translated intent into impact.
Over the past three years, the Agreement has delivered sustained export growth, deeper market access,… pic.twitter.com/uV6ILiOdq2
— Piyush Goyal (@PiyushGoyal) December 29, 2025
મંત્રીના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2024-25માં ઑસ્ટ્રેલિયા તરફ ભારતની નિકાસમાં 8 ટકાનો વધારો નોંધાયો છે, જેના કારણે ભારતના ટ્રેડ બેલેન્સમાં પણ સુધારો થયો છે. મેન્યુફેક્ચરિંગ, કેમિકલ્સ, ટેક્સટાઈલ, પ્લાસ્ટિક, ફાર્માસ્યુટિકલ્સ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને રત્ન-ઝવેરાત જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. કૃષિ ક્ષેત્રમાં પણ ભારતે મોટી સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં ફળ-શાકભાજી, મેરિન પ્રોડક્ટ્સ, મસાલા અને ખાસ કરીને કોફીની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. એપ્રિલથી નવેમ્બર 2025 દરમિયાન કૃષિ નિકાસમાં 16 ટકાનો ઉછાળો આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું.
પિયુષ ગોયલે વધુમાં કહ્યું કે ઓર્ગેનિક ઉત્પાદનો માટે ‘મ્યુચ્યુઅલ રેકગ્નિશન એરેન્જમેન્ટ’ (MRA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેના કારણે નિકાસકારોનો અનુપાલન ખર્ચ ઘટશે અને વેપાર પ્રક્રિયા વધુ સરળ બનશે. 1 જાન્યુઆરી, 2026થી ઑસ્ટ્રેલિયાની તમામ ટેરિફ લાઈન્સ ભારતીય નિકાસ માટે ‘ઝીરો-ડ્યુટી’ બનશે, જે ભારતના વિકાસલક્ષી લક્ષ્યો સાથે સીધું જોડાયેલું છે. તેમણે ઉમેર્યું કે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી વ્યાપક આર્થિક સહકાર કરાર (CECA)ની વાટાઘાટો ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતની આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે. આ નિર્ણય ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વિકસિત ભારત 2047’ના વિઝનને વેગ આપનાર સાબિત થશે અને વૈશ્વિક વેપારમાં ભારતને વધુ વિશ્વસનીય અને મજબૂત ભાગીદાર બનાવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel