ભારતમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા કેટલાક વિશેષ માધ્યમોથી થતી આવક પર કોઈ ટેક્સ લેવામાં આવતો નથી. જો કે તેમા કેટલીક શરતો અને નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં ઈન્કમટેક્સ રિટર્ન ભરવાનો સમય નજીક આવી રહ્યો છે એટલે તમારે આ જાણકારી ખૂબ જ કામની થઈ રહેશે.
દરેક ઈન્કમટેક્સ કરદાતા તેનો ટેક્સ બચાવવા માટે રસ્તો શોધતો હોય છે. તેના માટે તે વિવિધ યોજનામાં રોકાણ કરીને ટેક્સની બચત કરે છે. પરંતુ શું તમને ખબર છે આ 5 પ્રકારની આવક પર કોઈ ટેક્સ ભરવાનો રહેતો નથી. કરદાતાઓએ નોકરી અથવા વ્યવસાયમાંથી વાર્ષિક આવક પર ટેક્સ સ્લેબ પ્રમાણે ITR ફાઇલ કરતા હોય છે. તમને ખબર નહી હોય પરંતુ આવકવેરામાં બિન-કરપાત્ર આવક માટેની જોગવાઈઓ પણ છે. બિન-કરપાત્ર આવકનો મતલબ એવો છે કે તેમાથી જે આવક થાય છે તે આવકવેરાને પાત્ર નથી.
હિંદુ અવિભાજિત પરિવારની આવક, સ્થાવર સંપત્તિમાંથી થતી આવક પર છુટ આપવામાં આવી છે
ઈન્કમટેક્સ એક્ટ 1961 મુજબ ખેતીથી થતી આવકને ઈન્કમટેક્સના સ્લેબથી બહાર રાખવામાં આવી છે એટલે કે તેના પર કોઈ ટેક્સ લાગતો નથી. હિંદુ અવિભાજિત પરિવારની આવક, સ્થાવર સંપત્તિમાંથી થતી આવક અથવા પૈતૃક સંપત્તિમાંથી થતી આવક પર કોઈ ટેક્સ લાગતો નથી.
સગા-સંબંધી દ્વારા ગીફ્ટમાં આપવામાં આવેલી સંપત્તિ, ધન, ઝવેરાત, વાહન વગેરે પર છુટ આપવામાં આવી છે
ઈન્કમટેક્સ અધિનિયમ કલમ 56(ii) મુજબ સગા-સંબંધી દ્વારા ગિફ્ટમાં આપવામાં આવેલી સંપત્તિ, ધન, ઝવેરાત, વાહન વગેરે સહિતની વસ્તુઓ પર કોઈ ટેક્સ લેવામાં આવતો નથી. જો કે જો તેમા સગા-સંબંધી સિવાય કોઈ વ્યક્તિ ગિફ્ટમાં (ભેટ) કોઈ વસ્તુ આપે તો તેના માટે 50000 રુપિયા સુધી જ છુટ આપવામાં આવે છે.
સેવાનિવૃત્તિ પર મળનારી ગ્રેજ્યુઈટીની રકમ પર 100 ટકા પ્રમાણે છુટ આપવામાં આવી છે
સરકારી કર્મચારીઓના મૃત્યુ અથવા સેવાનિવૃત્તિ પર મળનારી ગ્રેજ્યુઈટીની રકમ પર 100 ટકા છુટ આપવામાં આવી છે. વળી તેમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓની સેવાનિવૃત્તિ અથવા સમાપ્તિ અથવા અપંગતા પર મળતી 10 લાખની ગ્રેજ્યુઈટીની રકમ પર છુટ આપવામાં આવે છે. ઈન્કમટેક્સ અધિનિયમ પ્રમાણે ગ્રેજ્યુઈટીની રકમ પર ટેક્સ કપાત અન્ય મર્યાદા પર નિર્ભર કરે છે.
મહાવીર ચક્ર, પરમવીર ચક્ર, વીરચક્ર જેવા વીરતા પુરસ્કાર વિજેતાઓને પણ વ્યાજમાં મુક્તિ આપવામાં આવી છે
ઈન્કમટેક્સ અધિનિયમ પ્રમાણે વિવિધ સસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ માટે આપવામાં આવતી શિષ્યવૃતિ પર છુટ આપવામાં આવે છે. આ સાથે મહાવીર ચક્ર, પરમવીર ચક્ર, વીરચક્ર જેવા વીરતા પુરસ્કાર વિજેતાઓ અને પેન્શન મેળવનાર લોકોને પેન્શન પર કોઈ ટેક્સ ભરવાનો રહેતો નથી.
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ બેંકમાં મળતું વ્યાજ વગેરે પર મુક્તિ આપવામાં આવી છે.
આવકવેરા અધિનિયમ કલમ 10(15) પ્રમાણે કેટલીક વ્યાજની આવક પર પુરી રીતે છુટ આપવામાં આવી છે. જેમા સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ બેંકમાંથી મળતું વ્યાજ, ગોલ્ડ ડિપોજીટ, બોન્ડ, લોકલ ઓથોરિટી અને ઈન્ફ્રાસ્કક્ચર બોન્ડ પર મળનારા વ્યાજ પર કોઈ ટેક્સ લેવામાં આવતો નથી.