ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ ન્યૂઝ ચેનલ અલ જઝીરા પર ઈઝરાયલમાં તાત્કાલિક અસરથી રોક લગાવવાની જાહેરાત કરી છે. આ માટે ઈઝરાયલની સંસદમાં એક પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો અને એ પછી નેતાન્યાહૂએ અલ જઝીરા ચેનલને આતંકી ચેનલ ગણાવીને તેને બંધ કરવા માટેનો સંકલ્પ લીધો હતો. સંસદે મંજૂરી આપી દીધી હોવાથી હવે સરકાર માટે આ ચેનલનુ પ્રસારણ રોકવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
નેતાન્યાહૂએ અલ જઝીરા ચેનલ પર ઈઝરાયલની સુરક્ષાને નકુસાન પહોંચાડવાનો, સાત ઓકટોબરના હમાસના આતંકી હુમલાને સાથ આપવાનો અને ઈઝરાયલ સામે હિંસા ભડકાવવાનો આરોપ મુકયો હતો. સાથે સાથે તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે ઈઝરાયલમાંથી હમાસના શોફરોને હટાવવામાં આવે. હવેથી આતંકી ચેનલ અલ જઝીરા ઈઝરાયલમાં પ્રસારીત નહીં થશે. હું આ માટે તાત્કાલિક કાર્યવાહી કરીશ.
અલ જઝીરા ચેનલ કતારની મીડિયા કંપની છે, જેનું હેડક્વાર્ટર દોહામાં છે અને આ મીડિયા કંપની અંગ્રેજી અને અરેબિક ભાષામાં સમાચારોનું પ્રસારણ કરે છે. આ ચેનલને કતાર સરકારની નાણાકીય મદદ મળે છે. જો કે તે પોતાને ખાનગી કંપની ગણાવે છે. ચેનલ પર પ્રસારિત થતા અહેવાલો પર કતાર સરકારનો પ્રભાવ હોવાના ભૂતકાળણાં થયેલા આરોપોને ચેનલ ફગાવી ચૂકી છે. ચેનલ પર કટ્ટરવાદીઓ તરફ ઝુકવાના આરોપ પણ લાગી ચૂક્યા છે.