એનઆઇએ દ્વારા ખાલિસ્તાનીઓના આતંકવાદી મોડયૂલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એનઆઇએ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠનો બીકેઆઇ અને કેટીએફના ત્રણ ઉગ્રવાદીઓને આરોપી બનાવવામાં આવ્યા છે. આ ચાર્જશીટમાં આ ત્રણેય અને તેના સંગઠનના ઇરાદાઓને ખુલ્લા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ખાલિસ્તાન ટાઇગર ફોર્સના છને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.
એનઆઇએએ કહ્યું હતું કે બીકેઆઇ અને કેટીએફ સાથે સંકળાયેલા તેમજ ભાગેડુ અથવા ધરપકડ કરાયેલા અન્ય ૧૬ લોકોની સામે પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્રણ આરોપીઓ કે જેઓ ગેંગસ્ટર્સમાંથી ડ્રગ્સ તસ્કર બની ગયા છે તેમના નામ હરવીંદર સંધુ ઉર્ફે રિંડા, લખબીર સંધુ, અને અર્શદીપ વિદેશમાં રહીને ભારત વિરોધી કૃત્યો કર્યા છે. આ ત્રણેયે ભારતમાં આતંક ફેલાવવા માટે નેટવર્ક ઉભુ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ આખુ નેટવર્ક વિદેશથી ઓપરેટ કરવામાં આવી રહ્યું છે.
વિદેશમાં રહીને આ ત્રણેય અપરાધીઓ ભારતના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને તેમને ડ્રગ્સ તસ્કરી, આતંકવાદ જેવી પ્રવૃત્તિઓમાં સામેલ કરી રહ્યા છે. પાકિસ્તાનની મદદથી ભારતમાં હથિયાર પણ ઘુસાડવાનો કારસો રચવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ અપરાધીઓ ઉત્તર ભારતમાં સક્રિય મોટી ગેંગ સાથે પણ જોડાયેલા છે. જેમાં સ્થાનિક ગેંગસ્ટર્સ, સિન્ડિકેટ નેટવર્કનો પણ સમાવેશ થાય છે. આ મામલામાં રિંડા નામનો અપરાધી બીકેઆઇનો સક્રિય સભ્ય રહ્યો છે અને તે વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન પાકિસ્તાન ભાગી ગયો હતો. તે હાલ પાકિસ્તાનમાં જ આઇએસઆઇની છત્રછાયામાં સમગ્ર આતંકી પ્રવૃત્તિને અંજામ આપી રહ્યો છે.