રામ મંદિર નિર્માણની સાથે જ શિખર પર સ્થાપિત થતા કળશ અને ધર્મ ધ્વજ અંગે પણ મંથન શરૂ થઈ ગયું છે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંરત રાયે જણાવ્યું કે, રામ મંદિરમાં 211 ફૂટ ઊંચો ધર્મ ધ્વજ લહેરાશે. તેના માટે વિશેષ ધર્મધ્વજ દંડ અમદાવાદથી બનીને આવ્યો છે. આંધી-તોફાનમાં પણ આ ધર્મધ્વજ સુરક્ષિત રહે તે માટે એન્જિનિયરો ખાસ સ્ટ્રક્ચર બનાવી રહ્યા છે.
અમદાવાદની કંપનીએ તૈયાર કર્યો છે આ ધર્મ ધ્વજ
આ ધર્મ ધ્વજ અમદાવાદની અંબિકા એન્જિનિયરિંગ કંપનીમાં બનીને તૈયાર થયો છે. આ કંપની લગભગ આઠ દાયકાથી શાસ્ત્રો પ્રમાણે ધર્મ ધ્વજ દંડ બનાવતી આવી છે. સંપૂર્ણ રીતે પિત્તળનો બનેલો આ સ્તંભ 44 ફૂટ ઊંચો છે. તેની પહોળાઈ 9.5 ઈંચ છે. વજન 55 ક્વિન્ટલ છે. આ ઉપરાંત 20-20 ફૂટ લાંબા વધુ છ ધર્મ ધ્વજ દંડ આવ્યા છે. ચંપત રાયે જણાવ્યું કે, રામ મંદિરમાં બ્રહ્માંડની પણ ઊર્જા પહોંચે તે માટે ખાસ પ્રકારના ધર્મ ધ્વજ દંડનું નિર્માણ કરાવવામાં આવ્યું છે.
આ એક અનોખો એન્ટિના હોય છે જે બ્રહ્માંડની ઊર્જાને ભગવાનના ગર્ભગૃહ સુધી લઈ જાય છે. રામ મંદિરમાં મુખ્ય ધ્વજ સહિત સાત ધ્વજ સ્તંભ લગાવવામાં આવશે. મંદિરનો શિખર 161 ફૂટ છે. શિખરના ઉપર ધ્વજ રહેશે. ધર્મ ધ્વજ દંડની લંબાઈ 44 ફૂટ છે તેની ઉપર અનેક કળશ મૂકવામાં આવશે. તેથી ધર્મ ધ્વજ દંડની કુલ ઊંચાઈ 211 ફૂટ થઈ જશે, જ્યાં 24 કલાક ધર્મ ધ્વજ લહેરાતો રહેશે.