ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ દેવુંસિંહ ચૌહાણ, ધારાસભ્ય રાજેશ ઝાલા, રાજ્યના મુખ્ય વન સંરક્ષક ડો.એ.પી. સિંહની ઉપસ્થિતિમાં કપડવંજ સ્થિત શાહ કે.એસ.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો ૭૫ મો વન મહોત્સવ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓ વૃક્ષારોપણ કરી ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી બન્યા હતાં.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ જગદીશચંદ્ર બોઝને યાદ કરી પર્યાવરણને લઈ સંવેદના કેળવવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે ધરતી એ આપણી મા છે અને આવનારી પેઢીને સ્વચ્છ વાતાવરણ આપવા માટે વૃક્ષોનું વાવેતર ખૂબ જ જરૂરી છે. તેમણે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવા સૌને અપીલ કરી હતી. દંડકે કોલેજના એનસીસી કેડેટ્સની કામગીરીને બિરદાવી હતી અને તેમની સાથે ફોટો પડાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ દેવુસિંહ ચૌહાણે વૃક્ષોના વાવેતર અને ઉછેર થકી વર્તમાન સમયની ગ્લોબલ વોર્મીંગની સમસ્યાઓનો સામનો કરવા અનુરોધ કરી ઉપસ્થિત સૌને ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત મહત્તમ વૃક્ષારોપણ કરી ખેડા જિલ્લાને હરિયાળો બનાવવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. એ. પી. સિંહે જણાવ્યું હતું કે શ્રી કનૈયાલાલ મુનશી દ્વારા ૧૯૫૦ માં આણંદ ખાતે પ્રથમ વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. આજે ૭૫ મા વન મહોત્સવ નિમિતે રાજ્યમાં દેવભૂમિ દ્વારકા ખાતે હરસિદ્ધિ વન ઊભું કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનના ૧૪૦ કરોડ રોપા વાવેતરના લક્ષ્યાંકમાં ગુજરાતના ફાળે ૧૭ કરોડનું લક્ષ આવેલું છે. જે પૈકી અંદાજિત ૭ કરોડ જેટલા રોપાનું વાવેતર પૂર્ણ થયેલ છે.
આ પ્રસંગે કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા અને બાલાસિનોર ધારાસભ્ય માનસિહ ચૌહાણે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. નાયબ વન સંરક્ષક અભિષેક સામરીયાએ કાર્યક્રમમાં સૌને આવકાર્યા હતાં. તેમણે ખેડા જિલ્લામાં વન મહોત્સવ અને ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત કરવામાં આવેલ કામગીરીની માહિતી આપી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત વન વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યોજનાકીય લાભના ચેક વિતરણ કરવામાં આવ્યા હતાં. સાથે જ વન વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ અને વનકર્મીઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સેજલ બ્રહ્મભટ્ટ, મંત્રી ધુળાભાઈ સોલંકી, એપીએમસી પૂર્વ ચેરમેન નિલેશ પટેલ, દશરથભાઈ પટેલ, નરેન્દ્ર પટેલ, ગણપત રાઠોડ, કપડવંજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિનલ પટેલ, જિલ્લાના રેન્જ ફોરેસ્ટ ઓફિસરો, કપડવંજ કેળવણી મંડળના ઉપપ્રમુખ રસિકભાઈ પટેલ, મંત્રી અનંત શાહ, ગોપાલ શાહ, દાણી ફાઉન્ડેશનના ડાયરેકટર નીલાબહેન પંડ્યા, કપડવંજ ટિમ્બર્સ એસોસિએશનના પ્રમુખ શંકરભાઈ પટેલ, કીરીટ પટેલ, અનુપ પટેલ, હર્ષદ પટેલ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડો ગોપાલ શર્મા, પારેખ બ્રધર્સ સાયન્સ કોલેજના આચાર્ય ડો. અલ્પેશ રાવલ, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટસ્, જિલ્લાના અગ્રણીઓ અને પ્રબુદ્ધ નાગરિકો જોડાયા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનુપસિંહ પરમારે કર્યું હતું.