AI ચિપ્સ બનાવતી અમેરિકન કંપની Nvidia વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. કંપનીએ માઇક્રોસોફ્ટને પાછળ છોડીને આ સિદ્ધિ મેળવી છે. માઇક્રોસોફ્ટ હવે 3.32 લાખ કરોડ ડોલર સાથે વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન કંપની છે. એપલ 3.27 લાખ કરોડ ડોલર સાથે ત્રીજા સ્થાને પહોંચી છે.
આ કંપનીએ ભારત અને એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણી કરતાં આગળ વધી છે. એઆઈ ચિપ્સ બનાવતી આ અમેરિકન કંપની Nvidia બે મહિના પહેલાં જ 2022માં પ્રથમ વખત આઈફોન અને અન્ય ડિવાઈસ બનાવતી કંપની એપલ કરતાં આગળ નીકળી હતી.
કંપનીની કામગીરી
અમેરિકાની આ કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત સેમીકંડક્ટર અને જીપીયુ (ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ) બનાવે છે. જેનો ઉપયોગ કોમ્પ્યુટરથી માંડી લેપટોપ, સ્માર્ટફોન, ઈલેક્ટ્રિક વ્હિકલ્સ, 2ડી, અને 3ડી એનિમેશનની ડિસ્પ્લે બનાવવામાં થાય છે. સામાન્ય ભાષામાં ગ્રાફિક્સ કાર્ડ અને વીડિયો કાર્ડ પણ કહે છે. આ ચિપ્સનો ઉપયોગ એઆઈ આધારિત ડિવાઈસ બનાવવામાં થાય છે. જેની માગ વિશ્વભરમાં વધી રહી છે. પરિણામે કંપનીની આવક પણ સતત વધી છે.
કંપનીના શેરમાં ઉછાળો
મંગળવારે કંપનીના શેરમાં 3.5 ટકાનો વધારો થયો હતો અને આ સાથે કંપનીની માર્કેટ કેપ 3.34 લાખ કરોડ ડોલર પર પહોંચી ગઈ હતી. માઇક્રોસોફ્ટના શેરમાં 0.5 ટકા અને એપલના શેરમાં 1.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો. Nvidiaના શેરમાં આ વર્ષે 174 ટકાનો વધારો થયો છે, જ્યારે ગયા વર્ષે તે 239 ટકા વધ્યો હતો. વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની રેવન્યૂમાં 262% અને નફામાં 462%નો વધારો થયો છે.
31 વર્ષ પહેલાં કંપનીની સ્થાપના
Nvidia કંપનીની સ્થાપના અમેરિકામાં એપ્રિલ, 1993માં થઈ હતી. તેના ફાઉન્ડર જેન્સેન હુઆંગ અને તેના બે સાથી હતા. જેન્સેન હુઆંગ કંપનીના સીઈઓ છે. જે નેટવર્થ મામલે મુકેશ અંબાણી કરતાં પણ આગળ છે. મુકેશ અંબાણી 13માં સ્થાને અને જેન્સેન 12માં સ્થાને છે. જેન્સેનની નેટવર્થ 119 અબજ ડોલર (રૂ. 9.92 લાખ કરોડ) છે. જ્યારે મુકેશ અંબાણીની નેટવર્થ 113 અબજ ડોલર (રૂ. 9.42 લાખ કરોડ) છે.