Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

નર્મદા જિલ્લાની દીકરી ફલક વિશ્વફલક પર ઝળકી

નર્મદા જિલ્લાની દીકરી ફલક વિશ્વફલક પર ઝળકી

રાજપીપલાની ગોલ્ડન ગર્લે ચીન ખાતે યોજાયેલી “છઠ્ઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪” આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો

રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ફલક ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, “તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો, કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”

ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪” આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું હતું કે, “એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે.”

ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ. ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ફાઈનલ રાઉન્ડમાં છઠો ક્રમ હાંસલ કર્યો હતો. ભાગ લઈને નર્મદા જિલ્લા સહિત ગુજરાત રાજ્ય અને ભારત દેશનું ગૌરવ વિશ્વફલક પર વધાર્યુ છે. ફલક આદિવાસી સમાજનું ગૌરવ છે, જેને ફાઈનલ રાઉન્ડમાં છઠ્ઠો ક્રમ હાંસલ કર્યો હતો. નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ પણ ફલકને રમતક્ષેત્રે ઉજ્જવળ ભાવિ બનાવવા શુભેચ્છા પાઠવી હતી. ફલકે પણ સતત મહેનત કરીને મેડલ હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આજે ફલક રમતક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરીને જિલ્લાના રમતવીરો માટે એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરી રહી છે. ફલક ઇન્ડિવિડ્યુઅલ વુમન ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક અંડર ૧૪ એજ ગૃપમાં છેલ્લા બે વર્ષમાં રાજ્યકક્ષાએ બે ગોલ્ડ મેડલ, રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક સ્પર્ધામાં ગત વર્ષે સિલ્વર અને આ વર્ષે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.

વર્ષ ૨૦૨૩ માં ડોમ્બિવલી ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ ચોથા ક્રમે પસંદગી પામી હતી. કેરેલાના કોઝીકુડુ ખાતે ફેબ્રુઆરી ૨૦૨૪ માં યોજાયેલી ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક રાષ્ટ્રીયકક્ષાની ઓપન ચેમ્પિયન શીપમાં પણ ફલકે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફલક બાળપણથી જ રમતમાં રૂચિ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, માતા શ્રીમતી મિકેતાબેન ચંદ્રકાંત વસાવાએ ફલકની રમત પ્રત્યેની રૂચીને મહેસુસ કરીને રમતક્ષેત્રે પોતાની દીકરીનું ભાવિ કારકીર્દિ બનાવવાનું નક્કી કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ફલકની માતા જીમ્નાસ્ટિક કોચ છે અને પોતાની દીકરીની કોચ તરીકે ચીનમાં યોજાયેલી ચેમ્પિયનશીપમાં સહભાગી થયા હતા. ફલકની માતાએ જીમ્નાસ્ટિકમાં ડિપ્લોમાની ડિગ્રી હાંસલ કરી છે. વર્ષ ૧૯૯૯ થી ૨૦૦૫ દરમિયાન રમતક્ષેત્રે સક્રીય રહીને રાષ્ટ્રીય કક્ષાની વિવિધ કેટેગરીની જીમ્નાસ્ટિક સ્પર્ધામાં મેડલો હાંસલ કર્યો હતો. વધુમાં તેઓને જીમ્નાસ્ટિકમાં જુનિયર જયદીપ સિંહ બારિયા એવોર્ડથી પણ સન્માનિત કરાયું હતું.

ગુજરાત જીમનાસ્ટિક એસોશિયેશન, સુરત અને જીમ્નાસ્ટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા, દિલ્હીના પ્રોત્સાહનથી ફલકે એક નવી સિધ્ધી હાંસલ કરી છે. ફલક હવે નર્મદા જિલ્લાના રમતક્ષેત્રનો નવો ચહેરો બની રહી છે જે યુવાનોને પ્રેરિત કરશે. નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી વિષ્ણુભાઈ વસાવા સહિત તમામ કોચીસના પ્રયાસોના પરિણામે ફલકની સાથે જિલ્લાના રમતવીરો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી પામીને પોતાના પ્રતિભાનો પરિચય આપી રહ્યાં છે.

 

 

રિપોર્ટર-શૈશવ રાવ નર્મદા

Filed under Narmada Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.