પશ્ચિમની પરા દહીંસરમાં આવેલ એક ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શનિવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. દહીંસરના વર્ધમાન ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શનિવારે રાત્રે ૧૧.૧૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી.
સૂત્રોનુસાર લેવલ- ટુની આ આગ પર સાત કલાક બાદ રવિવારે વહેલી સવારે ૬.૧૦ વાગ્યે કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડને સફળતા મળી હતી. આ સંદર્ભે ફાયર બ્રિગેડના એક અધિકારીની જણાવ્યાનુસાર આગ લાગવાની જાણ થયા બાદ ફાયર બ્રિગેડના સાત એન્જિન, છ જમ્બો ટેન્કર, પાણીના ટેન્કર, એમ્બ્યુલન્સ સહિત જરૂરી વાહનો તરત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ ફલોર પર આવેલ ત્રણથી ચાર ગાળામાં આગ ફાટી નીકળી હતી. જે પછીથી પહેલાં માળ સુધી પહોંચી ગઈ હતી. આ સમયે અહીંના અમુક ગાળૌમાં મળી આઠથી નવ એલપીજી સિલિંડર મળી આવ્યા હતા જે તરત જ ખસેડવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનામાં જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈને ઈજા પણ થઈ નહોતી. આગ લાગવાનું ખરું કારણ જાણી શકાયું નહોતું તેવું એક અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું.