અમદાવાદ ધીરે ધીરે ક્રિકેટનું નવું હબ બનવા જઈ રહ્યું છે. આઈપીએલ 2023ની કવોલિફાયર 2 અને ફાઈનલ જેવી મહત્વની મેચ અમદાવાદના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાશે. 28 મેના રોજ આઈપીએલની 16મી સિઝનના વિજેતા વિશે જાણવા મળશે. આ સિવાય 27 અને 28 મેના રોજ અમદાવાદમાં અન્ય ક્રિકેટ ટુર્નામેન્ટના પણ મહત્વના નિર્ણયો થશે. એટલે કે અમદાવાદમાં આવનારા સમયમાં ક્રિકેટ જગતના મોટા મોટા નિર્ણયો લેવાશે.
મીડિયા રિપોર્ટ અનુસાર , બીસીસીઆઈ સચિવ જય શાહ એ જાણકારી આપી છે કે આ ફાઈનલ મેચ જોવા માટે બાંગ્લાદેશ, અફગાનિસ્તાન અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પણ અમદાવાદ પહોંચશે. એશિયા કપ 2023ને લઈને આ દિવસે મહત્વની વાતચીત થશે અને એશિયા કપના આયોજનને લઈને મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે. જણાવી દઈએ કે પાકિસ્તાન અને ભારતના ક્રિકેટ બોર્ડ વચ્ચે એશિયા કપના વેન્યૂને લઈને સતત વિવાદ થઈ રહ્યો છે. તેવામાં અમદાવાદમાં થનારી મિટિંગ મહત્વની સાબિત થશે.
BCCI એ અમદાવાદમાં 27 મેના રોજ એક સ્પેશિયલ જનરલ મિટિંગનું આયોજન કર્યું છે. આ બેઠક બાદ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનારા આઈસીસી વન-ડે વર્લ્ડ કપ અંગે વિશેષ જાહેરાત કરવામાં આવી શકે છે. આ સિવાય અનેક મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.
આ સ્પેશિયલ બેઠકમાં સ્ટેટ ટીમોમાં ફિઝિયો તથા કોચની વરણી અંગે ચોક્કસ નિર્દેશ તથા જાતીય સતામણી સામે આકરી રણનિતિ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થાય તેવી સંભાવના છે. જણાવી દઈએ કે હમણા સુધી વન-ડે વર્લ્ડ કપના શેડયૂલની જાહેરાત થઈ નથી. આ બેઠકમાં તે અંગે પણ ચર્ચા થઈ શકે છે. આ સિવાય વિમેન્સ પ્રીમિયર લીગ ટી-20 માટે એક વિશેષ સમિતિની રચના પણ થઈ શકે છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, આ વર્લ્ડ કપ 2023માં 10 ટીમો વચ્ચે 48 મેચો રમાશે. આ મેચો 12 સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપ 2023નું આયોજન 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે થશે. આઈપીએલ 2023ની ફાઈનલ મેચ બાદ વર્લ્ડ કપ 2023નું શેડયૂલ જાહેર થઈ શકે છે. વનડે વર્લ્ડ કપ 2023 માટેના 12 વેન્યૂ – અમદાવાદ, હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા, દિલ્હી, ઈન્દોર, ધર્મશાલા, ગુવાહાટી, રાજકોટ, રાયપુર અને મુંબઈ.