રિપબ્લિકન પાર્ટીના સાંસદ કેવિન મેકકાર્થીને અમેરિકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. ગઈકાલે અધ્યક્ષ પદ પરથી દૂર કરવાના પક્ષમાં લાવેલા પ્રસ્તાવ પર મતદાન થયું હતું.
રિપબ્લિકન પાર્ટીનો આંતરિક ઝઘડો બહાર આવ્યો
અમેરિકી પ્રતિનિધિ સભાના 234 વર્ષના ઈતિહાસમાં કેવિન મેકકાર્થી એવા પ્રથમ અધ્યક્ષ છે જેમને મતદાન દ્વારા પ્રતિનિધિ અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવ્યા છે. અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર કોઈને આવી રીતે મતદાન દ્વારા પદ પરથી હટાવવામાં આવ્યા છે. પાર્ટીના કેટલાક સાંસદોના આ પગલાથી આગામી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વવાળી રિપબ્લિકન પાર્ટી નો આંતરિક ઝઘડો બહાર આવ્યો છે.
નવા સ્પીકર કોણ બનશે તે હજુ નક્કી થયું નથી
હવે કેવિન મેકકાર્થીને પદ પરથી હટાવ્યા બાદ નવા સ્પીકર કોણ બનશે તે હજુ નક્કી થયું નથી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં શટડાઉનથી બચવા ફંડિગ બિલ લાવવામાં આવ્યું હતું જેમાં કેવિન મેકકાર્થીએ અમેરિકી પ્રતિનિધિ સભામાં પસાર કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કારણોસર તેની પાર્ટીના જ કેટલાક સાંસદો નારાજ થયા હતા અને તેની વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો હતો. કેવિન મેકકાર્થીએ ફક્ત 269 દિવસ માટે જ પ્રતિનિધિ સભાના અધ્યક્ષ રહ્યા છે. તેમણે આ વર્ષની શરુઆતમાં 7મી જાન્યુઆરી 2023એ પદ સંભાળ્યુ હતું. અમેરિકાના ઈતિહાસમાં કોઈપણ અધ્યક્ષ પદનો આ સૌથી ટુકો કાર્યકાળ છે.