સુપ્રીમ કોર્ટે ફિલ્મ The Kerala Story પર લગાવેલો પ્રતિબંધ હટાવી દીધો છે. હવે આ ફિલ્મ પશ્ચિમ બંગાળમાં રિલીઝ થશે. આજે સુપ્રીમ કોર્ટે બંગાળમાં The Kerala Story પર લાગેલા પ્રતિબંધ મામલે સુનાવણી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે બંગાળ સરકારને કહ્યું કે શક્તિનો ઉપયોગ સંયમથી થવો જોઈએ. ફિલ્મને ચોક્કસ જિલ્લામાં પ્રતિબંધિત કરી શકાય પણ સમગ્ર રાજ્યમાં નહીં! જનતાની લાગણીઓને કાબૂમાં રાખવી એ સરકારનો વિશેષાધિકાર છે ફિલ્મ પર પ્રતિબંધ ન મૂકી શકાય.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે રાજ્ય શક્તિનો ઉપયોગ પ્રમાણસર હોવો જોઈએ. કોઈપણ પ્રકારની અસહિષ્ણુતા સહન કરી શકાતી નથી પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર કોઈની લાગણીના જાહેર પ્રદર્શનના આધારે નક્કી નથી કરી શકાતો. લાગણીઓનું જાહેર પ્રદર્શન નિયંત્રિત હોવું જોઈએ જો તમને તે પસંદ ન હોય તો તેને ન જોશો.
પશ્ચિમ બંગાળમાં ફિલ્મ The Kerala Story પર પ્રતિબંધ મુકવા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, ફિલ્મનું ટીઝર જેમાં 32000 છોકરીઓને નિશાન બનાવવામાં આવી હતી તેને હટાવી દેવામાં આવી છે. કેરળ હાઈકોર્ટે પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કરી દીધો હતો. તે હાઈકોર્ટે પણ આદેશમાં આ વાત લખી છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે તમિલનાડુ સરકારને પણ નિર્દેશ આપ્યો છે કે, ફિલ્મની સ્ક્રીનિંગ અને મૂવી જોનારાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે ફિલ્મના નિર્માતાઓએ કહ્યું કે, તેઓ ફિલ્મમાં એક વધારાનું ડિસ્ક્લેમર ઉમેરે કે એવા કોઈ પ્રામાણિક ડેટા નથી કે ધર્માંતરણની સંખ્યા 32,000 છે અથવા અન્ય કોઈ આંકડો છે. આ ડિસ્ક્લેમરને 20 મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં ઉમેરવામાં આવે. હવે આ ફિલ્મને લઈને સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 18 જુલાઈના રોજ થશે.