ચૂંટણી પંચે આજે શુક્રવારે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીનું તેમજ કેટલીક વિધાનસભાઓની ચૂંટણીનું સમયપત્રક આવતીકાલે શનિવારે બપોરે ૩.૦૦ વાગે વિજ્ઞાન ભવનમાં યોજાનારી પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવશે. માત્ર તેટલું જાણવા મળ્યું છે કે આ ચૂંટણી સાત તબક્કામાં યોજાશે.
આ જાહેરાત સાથે ચૂંટણી આચાર સંહિતા દેશભરમાં અમલી બની રહેશે. તેમ કહેતાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે લોકસભા ઉપરાંત કેટલીક વિધાનસભાઓની ચૂંટણી માટેનું પણ સમયપત્રક આ સાથે જાહેર કરાશે. જે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઉપર પણ મુકવામાં આવશે.
હિન્દુસ્તાન ટાઈમ્સે દર્શાવેલાં આ સમયપત્રક ઉપર ધી ટ્રિબ્યુન વધુ વિશ્લેષણ આપતાં જણાવે છે કે આ વખતે ૧૮મી લોકસભાની ચૂંટણીમાં ભાજપે સતત ત્રીજી વખત પણ વિજયી બની હેટ્રિક પ્રાપ્ત કરવા કમર કસી લીધી છે.
દેશની લોકસભાના ૫૪૩ સભ્યો પૈકી ભાજપે અત્યાર સુધીમાં ૨૬૭ ઉમેદવારોનાં નામ તો નિશ્ચિત કરી લીધાં છે. તે આ વખતે ઓછામાં ઓછા ૩૭૦ ઉમેદવારો વિજયી કરાવવા સાથે તેનાં નેતૃત્વ નીચેનાં એન.ડી.એ. સંગઠનના કુલ ૪૦૦થી વધુ ઉમેદવારોને વિજયી કરવા કમરકસીને મેદાને પડવાનો છે.
બીજી તરફ કોંગ્રેસ ભાજપનો વિજય રથ કોઈપણ ભોગે અટકાવવા માગે છે. તેણે તેનાં નેતૃત્વ નીચેનાં ઇંડીયા સંગઠનના સાથી પક્ષો સાથે સીટ શેરિંગ કરી રહી છે. પરંતુ ઉ.પ્ર., બિહાર અને બંગાળ જેવાં મહત્ત્વનાં રાજ્યોમાં તે સાથી પક્ષો સાથે સીટ શેરિંગ સમજૂતી સાધી શકી નથી.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ એકલે હાથે ચૂંટણી લડવા નિર્ધાર કર્યો છે. તેણે કોંગ્રેસ દ્વારા કરાતાં કેટલાંયે મનામણાં પ્રત્યેથી મુખ ફેરવી રાજ્યની લોકસભાની બેંતાલીસે બેંતાલીસ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે.
હદ તો તે વાતની આવી છે કે મૂળભૂત રીતે ઇંડીયા ગઠબંધનનો વિચાર આપનાર બિહારના નીતીશકુમાર જ હવે ભાજપ સાથે જોડાઈ ગયા છે. અને તેમનો પક્ષ જ.દ.(યુ) હવે ભાજપનાં નેતૃત્વ નીચેનાં એન.ડી.એ.માં જોડાઈ ગયો છે.
ઉત્તર પ્રદેશમાં પહેલાં ઇંડીયા ગઠબંધનનો ભાગ રહેલો ચૌધરી ચરણ સિંહે સ્થાપેલો પક્ષ રાષ્ટ્રીય લોકદળ પણ હવે, એન.ડી.એ. સાથે જોડાઈ ગયો છે.
કેરલમાં ખરી થઇ છે, રાહુલ વાયનાડમાંથી ચૂંટણી લડવાના છે તે નક્કી થઇ ગયું છે. તેમ છતાં સીપીઆઈએ એન્ની રાજાને ત્યાંથી ઊભાં રાખ્યાં છે, તેટલું જ નહીં પરંતુ એન્નીએ રાહુલને કહી દીધું છે કે તેઓ કોઈ બીજી સલામત સીટ શોધી લે. (સીપીઆઈ ઇંડીયા ગઠબંધનનો ભાગ છે તે સર્વવિદિત છે) ભાજપે હજી સુધીમાં ૨૬૭ ઉમેદવારો જાહેર કરી દીધા છે. તે સામે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી (કોંગ્રેસ)એ હજી ૮૨ નામ જ જાહેર કર્યા છે. વાસ્તવમાં આ ચૂંટણી કોંગ્રેસના અસ્તિત્વ માટેના પડકારરૂપ છે.
ભાજપ માટે આ ચૂંટણી દક્ષિણમાં તો કર્ણાટક સિવાય લગભગ બધે જ સીધાં ચઢાણ રૂપ બનવાની શક્યતા છે.
તામિલનાડુ, કેરલ અને આંધ્ર પ્રદેશમાં તો તેનો એક પણ સભ્ય અત્યારે લોકસભામાં નથી. જો કે કર્ણાટકમાં ૨૮માંથી ૨૫ સીટ અને તેલંગાણામાં ૧૭માંથી ૪ સીટ ભાજપ પાસે છે. ભાજપે ૫.બંગાળ, ઓડીશા અને દક્ષિણ ભારતમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડે તેમ છે. ઓડીશામાં તે બીજુ જ.દળ (બીજેડી) સાથે મંત્રણા કરે છે. આંધ્રમાં ટીડીપી સાથે શીટ શેરિંગ થઇ ગયું છે. પંજાબમાં અકાલીદળ સાથે ચૂંટણી પૂર્વે જોડાણ સાધવા મંત્રણા ચાલે છે.