રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ચોમાસાની આ ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ગુજરાત સહિત દેશ-વિદેશના અનેક લોકો વર્ષાઋતુમાં જ્યારે મોટી સંખ્યામાં સાપુતારાની મુલાકાતે ઉમટી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા માત્ર હિલ સ્ટેશન તરીકે જ પ્રખ્યાત નથી, પરંતુ સાપુતારાની આસપાસ આવેલ અનેક આસ્થાના સ્થળો પણ શ્રદ્ધાળુઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આવું જ એક મહત્વનું આસ્થાનું સ્થળ છે શબરી ધામ.
સાપુતારા ગિરિમથકના પ્રવાસે આવતા પ્રવાસીઓ મોટાભાગે શબરી ધામની ચોક્કસ મુલાકાત લે છે, કારણ કે આ સ્થળનો ભગવાન શ્રી રામ સાથે સંબંધ છે. સુબીર ગામથી પૂર્વ દિશામાં આશરે ત્રણ કિલોમીટરના અંતરે શબરી ધામ અંગે સ્થાનિક માન્યતા મુજબ આ સ્થળે શબરી સાથે ભગવાન રામની મુલાકાત થઈ હતી, જેનો ઉલ્લેખ રામાયણમાં પણ કરવામાં આવેલ છે.
રાજ્ય સરકાર પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા યાત્રાધામોના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે અને એટલે જ રાજ્ય સરકારે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી)ના માધ્યમથી શબરી ધામ ખાતે અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે વિકાસ કાર્યોનો ધમધમાટ શરૂ કર્યો છે.
યાત્રી નિવાસમાં પ્રવાસીઓ તેમજ શ્રદ્ધાળુઓ માટે ભોજન શાળા, ડાઇનિંગ, સ્ટોર રૂમ, વૉશ એરીયા, શૌચાલય, 5 એકઝીકયુટીવ રૂમ, 3 સ્પેશિયલ રૂમ, વેટિંગ એરિયા, 11 બેડ ધરાવતી પુરૂષ ડોરમેટરી અને 11 બેડ ધરાવતી સ્ત્રી ડોરમેટરી, 2 લિવિંગ રૂમ અને કિચન એરિયા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
બીજા તબક્કામાં શબરી ધામ ખાતે 16 જેટલી સુવિધાઓ શરૂ કરવામાં આવશે જેમાં નવું પાર્કિંગ, હનુમાનજી મંદિરનું રીનોવેશન, પેવર બ્લોક, રીટેનિંગ વૉલ, સભા મંડપ શેડ, નવા પાર્કિંગ પર શૌચાલય, કેન્ટીન, રેમ્પની કામગીરી, પાણીની ટાંકી, હયાત શૌચાલયનું રિનોવેશન, ગાર્ડનીંગ એન્ડ લેન્ડ સ્કૅપિંગ, પગથિયાનું રીનોવેશન અને કલર કામ, સાઈનેઝીસ, સોલાર લાઈટ પોલ, સોલાર સીસ્ટમ તથા ઇલેક્ટ્રિફિકેશનનો સમાવેશ થાય છે.