‘ડેમોગ્રાફી,ડેમોક્રસી એન્ડ ડેસ્ટિની’ શીર્ષક સાથેના લેખમાં ફેરસીમાંકન દરમિયાન પશ્ચિમી, દક્ષિણનાં રાજ્યોમાં નુકસાનનો પણ ઉલ્લેખ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મુખપત્ર ‘ઓર્ગેનાઇઝર’ની લેટેસ્ટ કવર સ્ટોરીમાં રાષ્ટ્રીય વસ્તી નીતિની માગ કરતા જણાવાયું છે કે વસ્તી નીતિથી એવું સુનિશ્ચિત થઈ શકશે કે વસ્તી પરિવર્તન કોઈ પણ ધાર્મિક સમુદાય કે ક્ષેત્રને અસંગત રીતે પ્રભાવિત ન કરે. લેખમાં વસ્તી પરિવર્તનને ધ્યાનમાં લેતાં સામાજિક-આર્થિક અસમાનતાઓ અને રાજકીય સંઘર્ષની આશંકા વ્યક્ત કરાઈ છે. વધતી મુસ્લિમ વસ્તી અને નીચા જન્મદરના સંદર્ભમાં વસ્તી અસંતુલનનો મુદ્દો ઉઠાવાયો છે. સાથે જ તેનાથી ફેરસીમાંકન દરમિયાન પશ્ચિમી અને દક્ષિણના રાજ્યોમાં નુકસાનનો પણ ઉલ્લેખ છે. કેન્દ્રની એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળ દરમિયાન ફેરસીમાંકનની શક્યતા છે. ‘ડેમોગ્રાફી, ડેમોક્રસી એન્ડ ડેસ્ટિની’ શીર્ષકવાળા લેખમાં સ્પષ્ટ કહેવાયું છે કે વસ્તીવૃદ્ધિ ધાર્મિક અને ક્ષેત્રીય બંને દ્રષ્ટિએ અસંતુલન નોતરશે. રાષ્ટ્રીય સ્તરે તમામ ધર્મો અને ક્ષેત્રોમાં વસ્તી સમાન નથી.
રાહુલ, મમતા, દ્રવિડ પક્ષો પર નિશાન સાધ્યું
લેખમાં એમ પણ જણાવાયું છે કે રાહુલ ગાંધી જેવા નેતાઓ ક્યારેક હિન્દુઓની લાગણીઓનું અપમાન કરવાનું જોખમ ઉઠાવી શકે છે. મમતા બેનરજી મુસ્લિમો દ્વારા મહિલાઓ પર અત્યાચારોનો સ્વીકાર કરીને પણ મુસ્લિમ કાર્ડ ખેલી શકે છે. દ્રવિડ પક્ષો વસ્તી અસંતુલન સાથે વિકસિત તથાકથિત લઘુમતી વોટ બેંકના એકીકરણ પર વિશ્વાસ કરીને સનાતન ધર્મને અપશબ્દો કહીને ગર્વ અનુભવે છે.
વસ્તી નિયંત્રણમાં પશ્ચિમ, દક્ષિણનાં રાજ્યોનું બહેતર પ્રદર્શન
લેખ અનુસાર ક્ષેત્રિય અસંતુલન ભવિષ્યમાં લોકસભા બેઠકોની સીમાંકન પ્રક્રિયા પર પણ અસર કરશે. વસ્તીનિયંત્રણના ઉપાયો સંબંધમાં પશ્ચિમ અને દક્ષિણનાં રાજ્યો પ્રમાણમાં બહેતર દેખાવ કરી રહ્યા છે. તેથી વસ્તીગણતરી બાદઆધાર વસ્તીમાં ફેરફાર થવા પર સંસદમાં કેટલીક બેઠકો ગુમાવવાનો ડર છે. હિન્દુઓની સરખામણીમાં મુસ્લિમોમાં જન્મદર વધારે છે. બંને સમુદાયોનો જન્મદર એકબીજા નજીક પહોંચ્યો છે.