તાપી જિલ્લા ભારે વરસાદના પગેલે સોનગઢ નજીકનો રાજા રજવાડા વખતનો ડોસવાડા ડેમ વહેલો ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં સુંદર નજારાઓ નિર્માણ થયા હતા. સાથે જ કોઈ નુકસાની ના થાય તે માટે નદી કિનારે વસતા 10 જેટલા ગામોને પાણીથી દૂર રહેવા એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
પાછલા ચાર દિવસથી સમગ્ર તાપી જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે પાણીની આવક થવાના કારણે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના નજીક આવેલો ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં તેની હાઇ લેવલ સપાટીથી બે ફૂટ ઉપર થી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. આ ડેમ રાજા રજવાડા સમયનો હોવાથી આને રજવાડી ડેમ પણ કહેવાય છે. હાલમાં 5944 ક્યુસેક પાણીની આવક સામે 5,944 ક્યૂસેક પાણીની જાવક થઈ રહી છે. આશરે બે ફૂટ ઉપરથી પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે ત્યારે સુંદર નજારો જોવા મળ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા હાલ પોલીસ મૂકીને અહીં આ ડેમ પર પ્રવાસીઓને આવા જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ડેમ ઓવરફ્લો થતા તાપી જિલ્લા પ્રશાસન તંત્ર દ્વારા ડોલવણ, વ્યારા અને વાલોડ નદી કિનારે ના 10 જેટલા ગામના લોકો માટે હાઈ એલર્ટ જાહેર કરવામા આવ્યું છે. ત્યારે ડેમ ઓવરફ્લો થતા ડેમના પાણી પર ખેતી કરતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે. આવનારા સમયમાં જો આ રીતે જ વરસાદ થયો તો પાણીની આવક વધી શકે છે અને ડેમ વધુ ઓવરફ્લો થઈને વહેવાની શક્યતા છે.
તાપી જિલ્લા અને સોનગઢ તાલુકા પ્રશાસન તંત્ર દ્વારા બનાવવામાં આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ ખડે પગે સમગ્ર જિલ્લામાં પડી રહેલા વરસાદ પર ચાપતી નજર રાખીને બેઠી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને. જાહેર જનતાને પણ વિનંતી છે કે પાણીના વધુ વહેણથી દૂર રહેવું અને ઘરમાં રહેવું સુરક્ષિત રહેવું.
રિપોર્ટ- વિકાસ શાહ (તાપી)