દેશની બેન્કોમાં ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટસ (જીએનપીએ)ની માત્રા સતત ઘટી રહી છે અને માર્ચ ૨૦૨૩માં વધુ ઘટી ૩.૯૦ ટકા સાથે દસ વર્ષની નીચી સપાટીએ રહી હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના રિપોર્ટમાં જણાવાયું હતું. નેટ એનપીએનું પ્રમાણ ઘટી ૧ ટકા પર આવી ગયાનું પણ ફાઈનાન્સિઅલ સ્ટેબિલિટી રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. વિશ્વની સરખામણીએ માર્ચ ૨૦૧૮માં ગ્રોસ એનપીએનું પ્રમાણ ૧૧.૫૦ ટકા જ્યારે નેટ એનપીએ ૬.૧૦ ટકા હતી જેમાં ધરખમ ઘટાડો તથા દેશની બેન્કો માટે સ્થિતિ સાનુકૂળ બની છે.
ક્રેડિટ જોખમ માટેની બૃહદ્દ સ્ટ્રેસ ટેસ્ટસમાં જણાયું છે કે દેશની બેન્કો લઘુત્તમ મૂડી આવશ્યકતાની શરતનું પાલન કરવાને શક્તિમાન રહેશે. બેન્કો સારી રીતે મૂડીથી સજ્જ છે અને વધારાની મૂડી ઠાલવ્યા વગર એક વર્ષના ગાળા સુધી બૃહદ્ આર્થિક આંચકાને સહન કરવાની હાલમાં શક્તિ ધરાવે છે.
સ્ટ્રેસ ટેસ્ટસ પ્રમાણે શિડયૂલ્ડ કમર્સિઅલ બેન્કોની જીએનપીએની માત્રા માર્ચ ૨૦૨૪ સુધીમાં ઘટી ૩.૬૦ ટકા આવી જવા શકયતા છે.
બેન્કોની એસેટ કવોલિટીમાં પણ વ્યાપક સુધારો જોવા મળી રહ્યો છે અને મોટાભાગના ક્ષેત્રોમાં લોનથી તાણનું પ્રમાણ સ્થિર ઘટી રહ્યું છે.
ઘરઆંગણે સિસ્ટમિક જોખમ માટે જવાબદાર મોટાભાગના જોખમો ઘટી ગયાનું મે ૨૦૨૩માં હાથ ધરાયેલા સિસ્ટમિક રિસ્ક સર્વેમાં ઘટી ગયાનું જણાયું છે. જો કે વૈશ્વિક ઘટનાક્રમોને પરિણામસ્વરુપ જોખમો ઊંચા જોખમની શ્રેણીમાં જળવાઈ રહ્યા છે. સર્વેમાં ભાગ લેનારામાંથી પચાસ ટકાથી વધુએ વૈશ્વિક નાણાં વ્યવસ્થામાં સ્થિરતા અંગે વિશ્વસ્નિયતા ઘટી રહ્યાનું જણાવ્યું હતું.
અમેરિકા તથા યુરોપમાં બેન્કિંગ કટોકટીને પરિણામે માર્ચ ૨૦૨૩ના પ્રારંભથી વૈશ્વિક નાણાં વ્યવસ્થા પર નોંધપાત્ર તાણ આવ્યું છે એમ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા રિપોર્ટની પ્રસ્તાવાનામાં જણાવાયું હતું. જો કે આની સામે ભારતની નાણાં વ્યવસ્થા સ્થિર અને સ્થિતિસ્થાપક રહી છે જે ધિરાણ વૃદ્ધિ, એનપીએના નીચા પ્રમાણ તથા પૂરતી મૂડી ઉપલબ્ધતા પરથી સમજી શકાય એમ છે. અનિશ્ચિતતા અને અસંખ્ય પડકારો વચ્ચે ઊભરતા દેશોમાં ભારતીય અર્થતંત્રએ મજબૂત રિકવરી દાખવી છે વૈશ્વિક નાણાં સ્થિતિ, વૈશ્વિક આર્થિક મંદી તથા મૂડી પ્રવાહમાં વોલેટિલિટીને મોટા જોખમો તરીકે વર્ણવવામાં આવ્યા છે.