સુપ્રીમ કોર્ટે વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં મળી આવેલા શિવલિંગ જેવી આકૃતિની કાર્બન ડેટિંગ અને વૈજ્ઞાનિક સર્વે પર આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપીમાં શિવલિંગની આકૃતિની કાર્બન ડેટિંગ કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
મુસ્લિમ પક્ષે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જ્ઞાનવાપી મસ્જિદ મેનેજમેન્ટ કમિટી વતી એડવોકેટ હુઝેફા અહમદી દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિહા અને જેબી પારડીવાલાની બેન્ચે તેની સુનાવણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે ગઈકાલે કાર્બન ડેટિંગ કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકારતી મુસ્લિમ પક્ષની અરજીની સુનાવણીને મંજૂરી આપી હતી. હાઈકોર્ટે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં કથિત ‘શિવલિંગ’ના ‘વૈજ્ઞાનિક સર્વે’નો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના જણાવ્યા અનુસાર શિવલિંગ કેટલું જૂનું છે તે જાણી શકાય છે.
આજે અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અલાહાબાદ હાઈકોર્ટના આદેશમાં સંબંધિત નિર્દેશોનો અમલ આગામી સુનાવણી સુધી સ્થગિત રહેશે. આ સાથે સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી કેસની સુનાવણી 7 ઓગસ્ટ સુધી ટાળી દીધી છે. ત્યાં સુધી કાર્બન ડેટિંગ પર પ્રતિબંધ ચાલુ રહેશે. અગાઉ સુનાવણીમાં, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચે જ્ઞાનવાપી મસ્જિદ મેનેજમેન્ટ કમિટિ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હુઝૈફા અહમદીની રજૂઆતોની નોંધ લીધી અને આજે સુનાવણી માટે અરજીની યાદી આપવા સંમત થયા.