દુનિયામાં અત્યારે બે યુદ્ધ ઓલરેડી ચાલી રહ્યા છે. ઇરાનના ઇઝરાયેલ પર હુમલા બાદ એક નવું યુદ્ધ શરૂ થવાના એંધાણ પણ વર્તાઇ રહ્યા છે. ઇરાને એક જ ઝાટકે 300 ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યા પછી કહ્યું કે, અમારો બદલો પૂરો થયો છે. હવે અમે નવો હુમલો કરવાના નથી ઇઝરાયેલ જો વળતો હુમલો કરશે તો અમે પણ લડી લેશું ઇઝરાયેલે એવું કહ્યું છે કે, અમે અમારા પર થયેલો હુમલો ભૂલશું નહીં. ઈરાને જે કર્યું છે એની કિંમત તેણે ચૂકવવી પડશે. ઇઝરાયેલ ઇરાન સાથે યુદ્ધ આગળ ન વધારે એ માટે અમેરિકા સહિત અનેક દેશો પ્રયાસો કરી રહ્યા છે. ઇરાનના હુમલા પછી આખી દુનિયા ટેન્શનમાં છે. રશિયા અને યૂક્રેનના યુદ્ધને બે વર્ષ અને માથે બે મહિના થઇ ગયા છે. ઇઝરાયેલ અને હમાસના યુદ્ધને પણ સાત મહિના થયા છે. આ દરમિયાનમાં દુનિયાના દેશો એવો સવાલ કરે છે કે, સમગ્ર વિશ્વમાં તણાવ સર્જાયો છે ત્યારે યુનાઇટેડ નેશન્સ શું કરી રહ્યું છે? યુનાઇટેડ નેશન્સની સ્થાપના આખી દુનિયામાં શાંતિ અને સુરક્ષા જળવાય એ માટે થઇ હતી. જરૂર પડયે યુએને પોતાની અસરકારક ભૂમિકા ભજવવાની હોય છે. છેલ્લા કેટલાંય વર્ષોથી યુનાઇટેડ નેશન્સ માત્ર તમાશા જોવા સિવાય કંઇ જ કરતું ન હોય એવું બધાને લાગી રહ્યું છે. કંઈ પણ મોટી ઘટના બને એટલે યુનાઇટેડ નેશન્સ ઇમરજન્સી મિટિંગ બોલાવે છે. ઠરાવે કરે છે અને ડાહી ડાહી વાતો કરે છે. ઇરાનના ઇઝરાયેલ પર હુમલા પછી પણ એવું જ થયું છે.
યુનાઇટેડ નેશન્સના જનરલ સેક્રેટરી એન્ટેનિયો ગુટેરસે ઇરાનના ઇઝરાયેલ પર હુમલા બાદ કહ્યું કે, ઇરાનના હુમલાથી વાતાવરણ તંગ થયું છે. દુનિયા હવે કોઈ નવું યુદ્ધ સહન કરી શકે એમ નથી. યુનાઇટેડ નેશન્સ બધાને શાંતિ અને સંયમ જાળવવા અપીલ કરે છે. યુએનના વડાની આવી વાત સાંભળીને ઘણા દેશો કહે છે કે, બસ? વાર્તા પૂરી? તમારું કામ વખોડવા અને સલાહો આપવાનું જ છે? ઇરાને તો યુનાઇટેડ નેશન્સને મોઢામોઢ યોપડાવ્યું કે, જે કંઇ થયું છે એના માટે તમે પણ કંઇ ઓછા જવાબદાર નથી. ઇઝરાયેલ વિરૂદ્ધ કેટલા બધા ઠરાવો પસાર થયા. અમે પણ તમને કહ્યું કે ઇઝરાયેલને સમજાવો અને રોકો તમે કંઈ કર્યું નથી અમને એ વાતનો અફસોસ છે કે, યુનાઇટડે નેશન્સ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાના પોતાના કર્તવ્યમાં નિષ્ફળ ગયું છે. યુનાઇટેડ નેશન્સની છાપ હવે દાંત અને નખ વગરના સિંહ જેવી થઈ ગઈ છે. દાંત અને નખની વાત પણ હવે જૂની થઇ ગઇ છે. યુએન તો ત્રાડ પણ પાડી શકતું નથી. યુએનની વાતનો અનેક દેશો ઉલાળિયો કરવા લાગ્યા છે. એ તો બોલે, એને બોલવાની આદત પડી છે. એને ગણકારવાની જ કંઇ જરૂર નથી યુનાઇટેડ નેશન્સ અમેરિકાની ઇશારે કામ કરતું હોવાના પણ આક્ષેપો થતા રહ્યા છે. રશિયા તો યુએનને શોભાનો ગાંઠિયો જ કહે છે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં પ્રવચન કરવા પણ આવતા નથી. પુટિને કહ્યું છે કે, જેનું કોઇ મહત્ત્વ નથી. જેની કોઈ તાકાત રહી નથી. એની પાછળ સમય અને શક્તિ બગાડવાનો કોઇ અર્થ નથી!
79 વર્ષનું યુનાઇટેડ નેશન્સ હવે બુઠ્ઠું થઈ ગયું છે. આપણા દેશ સહિત અનેક દેશોએ એવી માંગણીઓ કરી છે કે, યુનાઇટેડ નેશન્સમાં હવે ધરમૂળથી બદલાવ કરવાની આવશ્યકતા છે. યુએનની સ્થાપનાનો સમય અને અત્યારનો સમય જુદો છે. છેલ્લા આઠ દાયકામાં આખી દુનિયા બદલી ગઇ છે દોસ્તો હતા એ દુશ્મનો થઈ ગયા છે અને શત્રુઓ હવે સાથે બેસીને કામ કરી રહ્યા છે. સમયની સાથે યુએન નહીં બદલે તો આઉટડેટેડ થઇ જશે ઘણા તો એવું જ કહે છે કે, અત્યારે જ યુએન આઉટડેટેડ થઇ ગયું છે.
યુનાઇટેડ નેશન્સની સ્થાપના તારીખ 24મી ઓકટોબર, 1913ના રોજ થઇ હતી યુએનના ઉદ્દેશો અને કામગીરી વિશે એક ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. દુનિયાના પચાસ દેશોએ આ ડોક્યુમેન્ટમાં હસ્તાક્ષર કર્યા હતા. યુએનની સ્થાપના થઇ ત્યારે આપણો દેશ હજુ આઝાદ થયો નહોતો જો કે, ભારતે પણ આ ડોક્યુમેન્ટમાં હસ્તાક્ષર કર્યા હતા. બીજા વિશ્વયુદ્ધના કારણે દુનિયામાં જે સ્થિતિ પેદા થઈ હતી તેને થાળે પાડવા અને અને દુનિયાને વધુ સુરક્ષિત બનાવવાના યુએનનો મુખ્ય હેતુ હતો પયાસ દેશોની સહીથી શરૂ થયેલી આ સંસ્થામાં ધીમે ધીમે બીજા દેશો પણ જોડાતા ગયા આજની તારીખે દુનિયાના 193 દેશો યુનાઇટેડ નેશન્સના સભ્યો છે. યુનાઇટેડ નેશન્સના ઉદેશોમાં વિશ્વ શાંતિ, વિશ્વ કલ્યાણ, આતંરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન આંતરરાષ્ટ્રીય સુરક્ષા આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ, અસમાનતાનો અંત અને માનવ અધિકારોના રક્ષણનો સમાવેશ થાય છે. એક સમય હતો જ્યારે આખી દુનિયાના દેશો યુનાઇટેડ નેશન્સનો એક એક શબ્દ ગંભીરતાથી લેતા હતા યુનાઇટેડ નેશન્સની વાત માનતા હતા અને યુએનનેઆદર કરતા હતા હવે કોઈ યુએનને સિરિયસલી લેતું નથી.
યુનાઇટેડ નેશન્સના મુખ્ય છ અંગ છે. યુએન સેક્રેટરિએટ, યુએન જનરલ એસેમ્બલી, યુએન સિક્યોરિટી કાઉન્સિલ, યુએન ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ, ટ્રસ્ટીશીપ કાઉન્સિલ અને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અમેરિકાના ન્યૂયોર્કમાં યુનાઇડેટ નેશન્સનું હેડ ક્વાટર આવેલું છે. સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા, કેન્યાના નાઇરોબી, ઓસ્ટ્રીયાના વિએના અને નેધરલેન્ડના વોગ શહેરમાં યુએનની મુખ્ય ઓફિસો આવેલી છે. યુનાઇટેડ નેશન્સમાં ફુલ 37 હજાર જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે. આ બધી વિગતથી સમજી શકાય એમ છે કે, યુનાઇટડે નેશન્સનું કામ કેટલું તોસ્તાન છે!દુનિયાની સુરક્ષા જોવાનું કામ યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલનું છે. ઇરાનના ઇઝરાયેલના હુમલા પછી યુએનએસસીની બેઠક મળી દોઢ કલાક સુધી બધાએ ચર્ચા કરી અને છેલ્લે ઠરાવ પસાર કરીને તથા શાંતિની અપીલ કરીને બધા છૂટા પડયા જો આમ માત્ર અપીલથી કામ પતી જતું હોત તો અત્યારે આટલા યુદ્ધો ચાલતા જ ન હોત. યુનાઇડેટ નેશન્સ સિક્ટોરિટી કાઉન્સિલના પાંચ કાયમી અને દસ કામચલાઉ સભ્યો છે. પરમેનન્ટ મેમ્બર્સમાં અમેરિકા, ચીન, રશિયા, બ્રિટન અને ફ્રાંસનો સમાવેશ થાય છે. આ પાંચેય સભ્યો પાસે વીટો પાવર છે. કાયમી સભ્યોમાં પણ બે ભાગ પડી ગયા છે. એક તરફ અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ છે. બીજી તરફ રશિયા અને ચીન છે. આપણો દેશ ઘણા સમયથી યુએન સિક્યોરિટી કાઉન્સિલના કાયમી સભ્યપદની માંગણી કરતું રહ્યું છે. ચીન ભારતને કાયમી સભ્ય બનવા દેતું નથી. ભારતના હિતની કોઇ વાત હોય તો ચીન આડું ચાલતું રહે છે. દુનિયાના બહુમતી દેશોએ ભારતનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે, ભારત કાયમી સભ્ય હોવું જ જોઇએ 2020માં જ્યારે યુનાઇટેડ નેશન્સે 75 વર્ષની ઉજવણી કરી ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, યુએનમાં પરિવર્તનનો સમય પાકી ગયો છે. હવે જ્યારે ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવ સર્જાયો છે ત્યારે યુનાઇટેડ નેશન્સના અસ્તિત્ત્વ અને ભૂમિકા સામે કરીથી સવાલો પેદા થયા છે!