કેન્દ્રીય વિદેશપ્રધાન એસ.જયશંકરે ભારત અને રશિયા વચ્ચેના સ્થિર અને મૈત્રીપૂર્ણ સંબંધો પર ફરી એક વાર મુક્તમને વાત કરી છે. જર્મન અખબાર હેંડેલ્સબ્લેટ સાથેની વાતચીતમાં વિદેશપ્રધાને કહ્યું હતું કે બધા જ લોકો પોતાના પાછલા અનુભવોને આધારે સંબંધો નિભાવે છે. જો હું સ્વતંત્રતા બાદના ભારતના ઇતિહાસને જોઉ તો, રશિયાએ ક્યારેય પણ અમારા હિતોને નુકસાન નથી પહોંચાડયું. ઇન્ટરવ્યૂ દરમિયાન વિદેશપ્રધાને પશ્ચિમના દેશોને પણ ખૂબ સંભળાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્યારે હથિયારો પૂરા પાડવાની વાત આવે છે ત્યારે પશ્ચિમના દેશોએ તુલનામાં પાકિસ્તાનને પ્રાધાન્યતા આપી. છે. વિદેશપ્રધાને સાથે જ કહ્યું હતું કે યુરોપના દેશોએ સમજવું જોઈએ કે રશિયા વિશે ભારતનો દૃષ્ટિકોણ, યુરોપ મોસ્કો વિશે જેમ વિચારે છે તે પ્રકારનો નહીં હોય. મારું કહેવું એ છે કે જેમ હું આ આશા નથી રાખતો કે યુરોપ ચીન વિશે મારા જેવો જ દૃષ્ટિકોણ રાખશે.
રશિયા સાથે સંબંધ જૂના અનુભવ પર આધારિત
જયશંકરે કહ્યું હતું કે રશિયાએ ક્યારેય અમારા હિતોને નુકસાન નથી કર્યુ. આજે રશિયા સાથે અમારા સંબંધ જૂના અનુભવ પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ બાદ યુરોપ અને અમેરિકાએ રશિયા પર પ્રતિબંધ લાદ્યા હતા. પ્રતિબંધ છતાં ભારતે રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ખરીધું છે અને તે બાદથી બંને દેશ વચ્ચેના સંબંધ સામે પશ્ચિમમાં ગણગણાટ થઇ રહ્યો છે. જયશંકરે કહ્યું હતું કે અમારા માટે હાલ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા સિવાય અન્ય કોઇ વિકલ્પ જણાતો નથી.