હાલના સમયમાં અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની મોતની ઘટના વધી રહી છે. ત્યારે આ હુમલાઓ પર વ્હાઈટ હાઉસે કહ્યું કે કોઈ પણ આધારે હિંસા અમેરિકામાં અસ્વીકાર્ય છે. ગુરૂવારે પત્રકાર પરિષદમાં કહ્યું કે વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સના સંયોજક, જોન કિર્બીએ કહ્યું કે યુએસ પ્રમુખ જો બાઈડેન અને તેમનું વહીવટીતંત્ર આ હુમલાઓને નિષ્ફળ બનાવવા અને રોકવા માટે ખૂબ જ સખત મહેનત કરી રહ્યું છે.
ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલા અને માતા-પિતાની વચ્ચે પોતાના બાળકોને અમેરિકા મોકલવાની ચિંતાઓ વિશેના એક પ્રશ્નના જવાબમાં તેમને કહ્યું કે નિશ્ચિતરૂપે અમેરિકામાં હિંસા માટે જાતિ,લિંગ, ધર્મ કે કોઈપણ પ્રકારનું બહાનું બિલકુલ સ્વીકાર્ય નથી.
હુમલાઓને રોકવાના પ્રયત્ન
અમેરિકામાં રાષ્ટ્રપતિ અને તેમનું તંત્ર એ સુનિશ્ચિત કરવા માટે ખુબ જ મહેનત કરી રહ્યું છે કે અમે રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ સાથે મળીને આ પ્રકારના હુમલાને નિષ્ફળ કરવા અને રોકવામાં સફળ થઈએ. તેના માટે દરેક પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને આ પ્રકારની ઘટના કરતા લોકોને યોગ્ય જવાબ આપવામાં આવશે. આ નિવેદન અમેરિકામાં ભારતીયો અને ભારતીય-અમેરિકી પર હુમલાઓ અને મોતની ઘટનામાં અચાનક થઈ રહેલા વધારા બાદ સામે આવ્યુ છે.
ઘણા વિદ્યાર્થીઓના મોત
પોલીસે કહ્યું કે 7 ફેબ્રુઆરીએ વોશિંગ્ટન શહેરમાં એક હુમલા બાદ અમેરિકામાં 41 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિનું મોત થયુ હતું. પોલીસ મુજબ મૃતકની ઓળખ વર્જિનિયાના અલેક્જેન્ડ્રિયાના વિવેક તનેજા તરીકે થઈ. પોલીસ રિપોર્ટ મુજબ ઘટના 2 ફેબ્રુઆરીએ લગભગ 2 વાગ્યે બની, ત્યારબાદ તનેજાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
જો કે ગંભીર ઈજાના કારણે તેમનું મૃત્યુ થયુ અને 7 ફેબ્રુઆરીએ તેને મૃત જાહેર કરવામાં આવ્યો. વોશિંગ્ટન ડીસીમાં મેટ્રોપોલિટન પોલીસ શંકાસ્પદની ઓળખ કરવા અને તેની શોધ કરવામાં સાર્વજનિક મદદ માગી રહી છે.
હુમલાનો વીડિયો વાયરલ
4 ફેબ્રુઆરીએ શિકાગોમાં એક ભારતીય વિદ્યાર્થી પર ક્રૂર હુમલો થયો. હુમલા બાદ શિકાગોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે કહ્યું કે તે પીડિત સૈયદ મજાહિર અલીની સાથે સાથે ભારતમાં તેની પત્નીના સંપર્કમાં છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં અલીને તે ભયાનક ઘટનાનું વર્ણન કરતા સમયે વધારે પ્રમાણમાં લોહી વહેતુ હોય તેઓ બતાવવામાં આવ્યો છે. તેની વચ્ચે સોશિયલ મીડિયા પર પ્રસારિત એક વીડિયો જે ઘટનાનો સીસીટીવી ફૂટેજ લાગી રહ્યો છે. જેમાં શિકાગોના રસ્તાઓ પર 3 હુમલાખોરો અલીનો પીછો કરતા જોઈ શકાય છે.
ત્યારે આ મહિનાની શરૂઆતમાં અમેરિકામાં શ્રેયસ રેડ્ડી નામનો એક ભારતીય વિદ્યાર્થી ઓહાયોના સિનસિનાટીમાં મૃત મળ્યો હતો. જો કે તેના મૃત્યુનું કારણ હજુ સુધી અકબંધ છે. રિપોર્ટ મુજબ રેડ્ડી લિંડર સ્કુલ ઓફ બિઝનેસનો વિદ્યાર્થી હતો.
વિદ્યાર્થી પર હથોડાથી હુમલો
ટિપ્પેકેનો કાઉન્ટી કોરોનર મુજબ 30 જાન્યુઆરીએ પર્ડ્યૂ યૂનિવર્સિટીના વિદ્યાર્થી નીલ આચાર્ય ઘણા દિવસો સુધી લાપતા રહ્યા બાદ મૃત મળી આવ્યો હતો. આ પહેલા એક અન્ય ભારતીય વિદ્યાર્થી જેની ઓળખ વિવેક સૈની તરીકે થઈ હતી, તેને અમેરિકાના જોર્જિયાના લિથોનિયામાં એક સ્ટોરની અંદર એક વ્યક્તિએ હથોડાથી મોતને ઘાટ ઉતાર્યો હતો.